ઝાલાવાડના મોર્ડન યુવાને સરકારી નોકરી છોડી ખેતી અપનાવી 16 લાખની કરી ચોખ્ખી કમાણી

Published on: 10:55 am, Sun, 1 August 21

આપણો દેશ એક ખેતીપ્રધાન દેશ છે. ભારતની ઓળખ ખેતીને લીધે જ છે એવું પણ કહી શકાય. હાલના યુવાનો ઊંચી ડિગ્રી મેળવી હોવા છતાં લાખો રૂપિયાની નોકરીને ઠોકર મારીને ખેતી બાજુ ધપી રહ્યા છે ત્યારે આવી જ એક કહાની હાલમાં સામે આવી રહી છે.

કૃષિ તથા ઋષિની સંસ્કૃતિ ધરાવતાં ભારતમાં હાલમાં પણ એવા કેટલાય ખેડૂત પુત્રો છે કે, જે સરકારી નોકરી અથવા તો ઉચ્ચ આવક ધરાવતાં ખાનગી વ્યવસાયને છોડી કૃષિને પ્રાધાન્ય આપી આધુનિક ખેતીને અપનાવી રહ્યાં છે. આવા જ એક ખેડૂતપુત્ર છે.

રાજ્યમાં આવેલ ઝાલાવડના ખેડૂત કમલેશભાઈ ડોબરીયા કે, જેમણે જુનિયર ટેલિકોમની સરકારી નોકરી છોડીને ખેતી બાજુ વળ્યાં છે. આની સાથે જ ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો મારફતે સફળતાનાં શિખરો સર કર્યા છે. એકસાથે 20 વિઘા જમીનમાં ખેતી શરૂઆત કરી તેમજ લાખોની કમાણી કરી હતી. કમલેશભાઈ હાલમાં 80 વિઘા જમીનના માલિક છે. તેઓએ 16 વિઘા દાડમની ખેતીમાં 16 લાખની કમાણી કરી બતાવી છે.

વર્ષ 1998માં કરી ખેતીની શરૂઆત:
મૂળ જૂનાગઢના વતની તેમજ હાલમાં સુરેન્દ્રનગરમાં રહેતા કમલેશભાઈ ડોબરીયા જન્મે ખેડૂતપુત્ર છે. ખેતી સાથે વધુ પડતું સંકળાયેલા ન હોવાથી એમણે MSC કર્યા પછી વર્ષ 1991માં તેમની સુરેન્દ્રનગરમાં જુનિયર ટેલીકોમ ઓફિસર તરીકે નિમણૂક થતા તેઓ સરકારી નોકરીમાં જોડાઈ ગયા હતાં.

ટેક્નિકલ કાર્ય સાથે જોડાયેલા હોવાને કારણે ગામડામાં ઘણીવાર જવાનું થતું હોવાથી ત્યાંના ખેડૂતો સાથે વાર્તાલાપ થતો હતો. તેઓ ધીમે-ધીમે ખેતી બાજુ આકર્ષાયા હતાં. ખેડૂતપુત્ર હોવાને લીધે કમલેશભાઈનું મન ખેતી બાજુ વળ્યું હતું.

જેને કારણે વર્ષ 1998 માં તેમણે મૂળી તાલુકામાં આવેલ વડધ્રા ગામમાં સૌ પ્રથમ કુલ 20 વિઘા જમીન ખરીદીને ખેતીની શરૂઆત કરી હતી. ત્યારપછી ક્રમશ: ખેતીની જમીનમાં વધારો કરતાં ગયા હતા. હાલમાં તેમની પાસે અંદાજે 80 વિઘા જેટલી ખેતી લાયક જમીન રહેલી છે.

બાગાયત ખેતીની દિશામાં પગરણ:
તેમની આ જમીનમાં વર્ષ 1998-2012 સુધી કપાસ, એરંડા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. જ્યારે વર્ષ 2012માં તેમના જીવનમાં આવેલ પરિવર્તનને લીધે તેઓ સજીવ ખેતી બાજુ વળ્યા હતાં. તેઓ ઘણીવાર મનસુખભાઇ સુવાગિયાના ખેતી ઉપરના વકતવ્યો સાંભળતા હતાં. વર્ષ 2012મા મનસુખભાઇ સાથેની તેમની રૂબરૂ મુલાકાતે તેમના મગજમાં સજીવ ખેતી કરવાના વિચારબીજનું આરોપણ કર્યુ હતું. જેથી તેઓએ વર્ષ 2013માં સજીવ ખેતીની શરૂઆત કરી હતી.

દેશી સરગવાની સફળ ખેતી કરી:
કમલેશભાઈ જણાવે છે કે, વર્ષ 2012 સુધી મે ચીલા ચાલું પાકોનું વાવેતર કર્યું હતું. આ સમયે ઉપજ સારી એવી ન મળતા સાથે-સાથે દવા, ખાતર તથા બિયારણ સહિતના ખર્ચા પણ ખૂબ જ થતાં હતાં. જેને લીધે બમણી આવક હોવા છતાં પણ નફાનું પ્રમાણ નહિવત રહેતું હતું.

જ્યારે સજીવ ખેતીમાં ઉપજની સામે ખર્ચ ખુબ જ ઓછો હોવાથી ખૂબ નફો મળવા લાગ્યો હતો. સજીવ ખેતીમાં સારી સફળતા મળ્યા પછી બાગાયત ખેતીની દિશામાં પગરણ પાડયા હતા. વર્ષ 2015-2017 સુધી કુલ 20 વિઘા જમીનમાં દેશી સરગવાની સફળ ખેતી કરી હતી.

ખેતીમાં ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ અપનાવી:
વર્ષ 2017 કમલેશભાઈ માટે ખુબ અગત્યનું બની રહ્યું હતું. બાગાયત ખેતીના અનુભવના મળેલા સારા ઈવા નફાએ કમલેશભાઈને સંપૂર્ણ રીતે બાગાયતી ખેતી તરફ વાળ્યા હતા. આની સાથે જ તેમણે સંપૂર્ણપણે ગાય આધારિત ખેતી કરવાનું પણ નક્કી કર્યું હોવાથી તેઓએ 2 ગાય વેચાતી લીધી હતી કે, જેમાંથી હાલમાં તેમની પાસે કુલ 5 ગાય, 2 વાછડી તેમજ 2 વાછડાં છે. ગાય આધારિત ખેતીની ઉપરાંત તેઓએ બાગાયત ખેતીમાં આધુનિકતા લાવવા માટે ખેતીમાં ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ પણ અપનાવી હતી.

16 વિઘા જમીનમાં કરી દાડમની ખેતી:
બાગાયતી ખેતી અપનાવ્યા પછી તો કમલેશભાઈએ ક્યારેય પાછળ વળીને જોયું ન હતું. દર વર્ષે તેઓ ખેતીમાં નવતર પ્રયોગો કરતા રહેતા હતાં. જૂન વર્ષ 2018 માં તેમણે સૌપ્રથમ વાર માત્ર 16 વિઘા જમીનમાં કુલ 2100 દાડમના રોપાનું વાવેતર કર્યું હતું.

ત્યારપછી ક્રમશ: વર્ષ 2020માં 1900 રોપા તેમજ આ વર્ષે કુલ 700 નવા રોપાનું વાવેતર કર્યું હતું. વાવેતરના પહેલા વર્ષે જ તેમણે 16 વિઘા દાડમની અંદાજે 16 લાખ જેટલી આવક લીધી હતી. વર્ષ 2019માં બીજા 2 નવતર પ્રયોગો કરતા તેમણે તેમની બીજી જગ્યાએ આવેલ કુલ 18 વિઘા જમીનમાં સૌપ્રથમવાર કુલ 750 કાગદી લીંબુના રોપા તેમજ કુલ 20 વિઘા જમીનમાં 1950 જામફળના રોપાનું વાવેતર કર્યું હતું. જેમાંથી 1200 રોપા તાઇવાન પિન્ક જામફળના હતા. જામફળ વાવેતરના પ્રથમ વર્ષે ભાવ પૂરતો ન મળી રહેતા જામફળમાંથી અંદાજે 1.70 લાખ જેટલી કમાણી થઈ હતી.

રાજ્યસરકારે કરી સહાય:
એવું કહેવામાં આવે છે કે, શહેરોના માર્કેટ ગામડાઓથી સજે છે. જેને ધ્યાનમાં લઈ શહેરોમાં વસવાટ કરતા લોકોને રાસાયણીક ખાતર – દવાથી મૂક્ત ફળફળાદી આપી શકાય તેવા વિચારની સાથે સજીવ ખેતી બાજુ વળેલા કમલેશભાઈ હવે પહેલા કરતા વધારે આવક મેળવી રહ્યા છે.

સજીવ ખેતીને લીધે આરોગ્યપ્રદ ફળોના ઉત્પાદનની સાથે જ તેમની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગે કમલેશભાઈને ખેતીના વિકાસ માટે પૂરતું પ્રોત્સાહન, માર્ગદર્શન તેમજ આર્થિક સહાય પણ આપી હતી.

કમલેશભાઈના જણાવ્યા પ્રમાણે બાગાયત વિભાગ તરફથી પાણીના ટાંકા બનાવવા માટે 1.25 લાખ રૂપિયાની, ટપક સિંચાઈ માટે 6 લાખ તેમજ પાકોના રોપા ખરીદી માટે એમ કુલ મળીને 2.40 લાખ રૂપિયા જેટલી સહાય મળી છે.