
તાપી જિલ્લાના ૫૦ ટકાથી પણ વધારે ખેડૂતો વરસાદ ના આધારે ખેતી કરે છે થોડા દિવસો પહેલા સારો વરસાદ આવતા તે લોકોએ વાવણી કરી હતી પરંતુ અત્યારે વરસાદ પાછો ખેંચાતા આ બધા જ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
થોડા સમય પહેલા સારો વરસાદ પડતા જિલ્લાના ૮૫ ટકાથી પણ વધારે ખેડૂતોએ અલગ-અલગ પાકોની વાવણી કરી દીધી હતી જેથી અત્યારે ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે. તાપી જિલ્લો સંપૂર્ણ ખેતી ઉપર નિર્ભર છે પરંતુ ચાલુ વર્ષે નહિવત વરસાદ વરસ્યો છે તેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
અહીં ઉકાઈ ડેમ પાસે હોવા છતાં ૫૦ ટકાથી પણ વધારે જમીન સિંચાઇ વગર છે જેના પગલે નાના કદના આદિવાસી ખેડૂતો ચોમાસા પર આધારિત રહેતા આવ્યા છે. જેથી આ વર્ષે આ ખેડૂતોએ મોંઘા બિયારણ, દવાઓના ખર્ચ અને મજૂરી ચૂકવીને પાકનું વાવેતર કર્યું છે. પરંતુ મેઘરાજા ના રિસામણ ને લીધે ખેડૂતોને પાક પડવાની દહેશત છે. બીજી તરફ કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું કે આ પખવાડિયામાં વરસાદ પડવાની આશા નથી, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ ખેડૂતો સંપૂર્ણ ખેતી પર આધારિત હોય છે અને આ ખેતી વરસાદ પર આધારિત છે જો વરસાદ ન પડે અથવા તો મોડો પડે તો પાક બગડી જાય છે અને ખેડૂતોને ભયંકર નુકસાન થાય છે.તેથી અત્યારે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજ જલ્દી જ ધરતી પર વરસે.