ચોથી જાગીર સમાન મીડિયા સામે જનતાનો રોષ ઘણું બધું સુચવે છે- તુષાર બસિયાની કલમે

Published on: 3:11 pm, Mon, 18 May 20

હિન્દુસ્તાનમાં દેશી ભાષામાં ચોથું અને કહેવાતા હાઈપ્રોફાઈલ વર્ગનું લૉક ડાઉન 4.0 આજથી શરૂ થઈ રહ્યું છે. કમનસીબે મોટા અભિનેતા માફ કરજો માત્ર નેતા અને અધિકારી જેઓને કેમેરા ગજવવાનો ભારે શોખ છે, આ જાહેરાત સમયે ફોટોસેશનની જમાવટ કરતા દેખાયા નથી. ગરીબ દેશી વર્ગ માટે ‘ઉપાધી’ અને ખરેખર ધનાઢય અને કહેવાતા હાઈપ્રોફાઈલ વર્ગ માટે ‘વેકેશન’ લંબાયું છે. આ તમામ ઘટના વચ્ચે દુઃખદ ઘટનાઓ પણ ઘટી છે. રાજકોટમાં શાપર પાસે આત્મનિર્ભર પરપ્રાંતીય મજૂરોનો રોષ ફાટી નીકળતા મજૂરો એ પોલીસ અને પત્રકાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.

લૉક ડાઉન બાદ દેશમાં કે રાજ્યમાં આ કોઈ પહેલી ઘટના નથી જેમાં પરપ્રાંતિય શ્રમિકોનું તંત્ર સાથે ઘર્ષણ થયું હોય. અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે. આ ઘટનાને અંજામ સુધી પહોંચવામાં ટ્રિગર તરીકેનું કામ વતન પહોંચાડવામાં નિષ્ફળ તંત્ર કરી ગયું છે. આ વખતે પોલીસ સાથે એક પત્રકાર પણ ઘર્ષણમાં ઘાયલ થયેલ છે. આ ઘટના અત્યંત દુઃખદ છે. આ પ્રકારે જો પ્રજા કાયદો હાથમાં લેવા લાગે તો તેનું ખૂબ ગંભીર પરીણામ દેશને જ ભોગવવું રહ્યું. છતાં દુઃખ સાથે આ સમગ્ર ઘટનાઓ ઘટે છે કેમ એ પણ સમજવું જરૂરી બને છે.

દેશમાં દરેક જગ્યા એ ઘર્ષણની ઘટનામાં એક બાબતે સામ્યતા જોવા મળે છે. સામ્યતા છે કે ગરીબ શ્રમિક ભૂખ્યો તરસ્યો વતન જવા મજબુર છે પણ સરકાર એ કાર્ય સફળતા પૂર્વક પાર પાડી શકી નથી. હજારો કિલોમીટર દૂર વતન જવા પગપાળા જતા શ્રમિક પરિવારના અનેક દ્રશ્યો દેશે અને વિશ્વ એ મીડિયાના માધ્યમથી જોયા. હૃદય કંપાવી જાય તેવી ઘટનાઓ અંતિમ ચરણે પહોંચી જ્યારે ક્યાંક ટપોટપ માર્ગ અકસ્માતમાં શ્રમિકો જીવ ગુમાવવા લાગ્યાં. છતાં પણ સરકાર એવો કોઈ વિકલ્પ શોધી શકી નહીં કે આ શ્રમિકો વતન સહીસલામત વતન પહોંચી જાય. ટ્રેનો અને બસોની વ્યવસ્થા કરવામાં આવી પણ એ પૂરતી સાબીત થઈ નહીં, વળી એમાં પણ વ્યવસ્થાનો અભાવ રાબેતા મુજબ જ રહ્યો. પરિણામે ધર્યા પરીણામ પણ રાબેતા મુજબ મળ્યા નહીં.

આવા સંજોગોમાં વિફરેલા મજૂરો કે જે હવે લૉક ડાઉનની રમતથી કંટાળી નાસીપાસ થયો અને તંત્ર સામે સંઘર્ષમાં ઉતરી પડ્યો. કાયદો હાથમાં લેવો અને હિંસા આચરવી ક્યારેય યોગ્ય નિર્ણય હોતો નથી. પરંતુ આ સંજોગોમાં એવું પરિબળ શોધવું પણ ખૂબ જરૂરી છે જે શ્રમિકોને કાયદો હાથમાં લેવા અને હિંસાના માર્ગે ચડવા મજબુર કરે છે. આવી ઘટનામાં જવાબદારો પણ એટલા જ તકસીરવાન છે જેટલા સંઘર્ષમાં ઉતરતા શ્રમિકો છે. કેમકે જો આ શ્રમિકોને સમયસર સારી રીતે વતન ભેગા કરી દેવામાં આવ્યા હોત તો તેમનો ઇન્તેજાર ખતમ થાત અને આ માર્ગે ચડત નહીં.

લોકશાહીનું મહત્વનું અંગ વિપક્ષ પણ નામ માત્રનો વિરોધ નોંધાવી સંતોષ માની રહ્યો છે. દેશનો સૌથી જરૂરિયાત વાળો વર્ગ જ્યારે રસ્તાપર હોય, મહામારીમાં ભખમરા જેવી સ્થતિ હોય અને સત્તાપક્ષ સંતોષકારક કામગીરી ના કરતો હોય ત્યારે વિપક્ષ સત્તાના પાયા હચમચાવી નાખે એવો વિરોધ કરતો હોવો જોઈએ પણ ભાગ્ય ભારતના કે વિપક્ષમાં જોર રહ્યું નથી. પરિણામે સત્તાપક્ષનું પેટનું પાણી’યે હલતું નથી. મોટાભાગે પત્રકારો પણ નિર્દોષ હોવાનો ડહોળ કરી સત્તા સામે સલામ ભરે છે. સરકારને ઢંઢોળી પરીણામ લાવવું તો દૂર, સરકારની ક્ષતિઓ સુધી પહોંચવાના પ્રયત્નો પણ નામ પૂરતા થઈ રહ્યા છે.

હાલતો કાયદાના વિષયમાં ‘જીસકી લાઠી ઉસકી ભેંસ જેવી સ્થતિ છે’ એ જગ જાહેર ચર્ચા છે. રોજ નવા નિયમ નવી પોલિસી અને નવી ગાઈડલાઈનથી લોકો અસમંજસમાં પડી જાય છે. બીજી તરફ જેટલા વિભાગ એટલા કાયદા છે એવી પરિસ્થિતિ જોવા મળે છે. સરકારી તંત્રના સંકલનના અભાવે ખુદ સરકારી બાબુ પણ દંડાઈ ગયા તેમજ પાસ હોવા છતાં પરેશાન થયેલા ઉદ્યોગપતિઓના કિસ્સા પણ આ બાબતને પુષ્ટિ આપે છે. આ પ્રકારે જ્યારે વ્યવસ્થા ખુદ ગોટાળે ચડેલી હોય તો જનતા તો ગોટે ચડવાની જ છે. આખરે દરેક જગ્યા એ સમગ્ર પરિસ્થિતિ નિર્માણ થવાનું કારણ માત્રને માત્ર લોકો અને તંત્ર વચ્ચેનું સંતુલન અને ગુમાવાયેલ વિશ્વાસ છે એટલું જ સામે આવે.