ધોળાવીરા ને વર્લ્ડ હેરીટેજનો દરજજો મળશે કે નહીં તે ચીનમાં નિર્ણય લેવાશે

Published on: 12:46 pm, Wed, 30 June 21

વર્લ્ડ હેરિટેજ કમિટીનું સત્ર કુઝો શહેર ના અધ્યક્ષસ્થાને યોજાવવા જઈ રહ્યુ છે. ગયા વર્ષે કોરોનાને કારણે આ સત્રને મોકૂફ રાખવામાં આવ્યુ હતુ, પરંતુ આ વર્ષે સત્ર ઓનલાઈન યોજાશે. સત્રમાં નવા કામ અને ગત વર્ષના બાકી રહી ગયેલા મુદ્દાઓને લઈને કામગીરી કરવામાં આવશે. સત્રની શરૂઆત 16 જુલાઈથી થશે અને તે 31 જુલાઈ સુધી ચાલુ રહેશે.

યોજાનાર આ સત્રમાં ભારતની બે જગ્યાઓને હેરિટેજ સાઈટનો દરજ્જો આપવાને લઈને નિર્ણય લેવામાં આવશે, તેથી ચીનમાં યોજાવનારૂ આ સત્ર ભારત માટે મહત્વનું છે. મળતી માહિતી અનુસાર કચ્છનું ધોળાવીરા અને તેલંગાણાના રામપ્પા મંદિરને લઈને આ સત્રમાં નિર્ણય લેવામાં આવશે. જો બધુ અપેક્ષા પ્રમાણે રહ્યું તો આ સત્રમાં ધોળાવીરાને હેરિટેજ સાઈટનો દરજ્જો આપી દેવાશે.

ભારત સરકારે ગયા વર્ષે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું, ત્યારબાદ યુનેસ્કોની ટીમે ધોળાવીરા આવીને સાઈટનું નિરીક્ષણ પણ કર્યું હતું અને હવે આ વર્ષે તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રેસ કોન્ફરન્સને ઓનલાઈન સ્ટ્રીમ કરીને આ માટેની જાહેરાત કરવામાં આવશે.

ધોળાવીરા વિશેની ખાસ વાતો
ધોળાવીરાએ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. તે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ 50,000 લોકો આ મહાનગરમાં રહેતા હોવાનું અનુમાન છે. આ પ્રાચીન નગરની પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા લાયક છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો અથવા કોટડા ટિંબા તરીકે ઓળખે છે.

ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જેપી જોશીને જાય છે પણ તેનું મોટાભાગનું ખોદકામ ૧૯૯૧ માં ડૉ. આર. કે વિષ્ટના નેતૃત્વ હેઠળ થયું હતુ. કચ્છ માંડુઓ ધોળાવીરાને કોટડા તરીકે જાણે છે.