
આપણે સૌ જાણીએ છીએ કે, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને હાલ કૃષિમાં નવી-નવી તકનીકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જુનાગઢ જિલ્લાના મૂળ કેશોદ ગામના 25 વર્ષિય વિશાલ અગ્રવાતે એક મિનિ ટ્રેક્ટર તૈયાર કર્યું છે. જેની મદદથી અન્નદાતા ઘઉંની કાપણી કરી શકે છે આ સાથે અને ખેતીલક્ષી કામો પણ કરી શકે છે. આ ગ્રામીણ યુવાનના સંશોધનના કારણે શ્રમ તેમજ આર્થિક ખર્ચ ઓછો કરી શકાશે.
એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમેધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે ખર્ચાળ ખેતીને સસ્તી કરવા અવનવા સાધનોની લોકો શોધ કરતા હોય છે. ખેતીમાં વાવણી બાદની અનેક કામગીરી માટે એકમાંથી અનેક કામો કરતા એક જુગાડ ટ્રેક્ટરનો વિશાલ અગ્રવાલ દ્વારા આવિષ્કાર કરવામાં આવ્યુ છે. વિવિધ કામોમાં સહજ રીતે ઉપયોગી થઈ રહેલું મિનિ ટ્રેક્ટર ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
જૂનાગઢના કેશોદ ગામના 25 વર્ષિય વિશાલ આમ તો ફાર્મ મશીનરી અને પાવર એન્જિનિયરિંગમાં સંસોધન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વિશાલ અગ્રવાતે ખેતી અને બિન ખેતી વિષયક 5 સંસોધનો વિકસાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તેમણે નાળિયેરનાં ઝાડ પર ચઢાવા માટેનું ઉપકરણ, બેટરી સંચાલિત મલ્ટીફ્રુટ હાર્વેસ્ટર, વૃક્ષ કાપણી માટે બેટરી સંચાલિત ઉપકરણ, સેનિટાઇઝર ચેમ્બર, કેક્ટસ ફળ ઉપાડવાનું ઓજાર, ઈ-રીપર સાથે બેટરી સંચાલિત નાના ટ્રેક્ટર સામેલ છે.
વિશાલભાઈએ જણાવ્યું કે, જ્યારથી હું સમજણો થયો ત્યારથી દરરોજ ખેડૂતોને ખેતરોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે કઠોર મહેનત કરતા જોયા છે. આ ખેડૂતોને ઓછા પરિશ્રમે વધુ પાક મળે તે માટે મારે યોગદાન આપવું હતું. જ્યારે મેં અને આજુબાજુના ગામડાઓમાં નારિયેળની ખેતી કરતા ખેડૂતોને જોયા ત્યારે વિચાર આવ્યો કે, અન્નદાતાને નારિયેળ ઉતારવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
તેથી ખેડૂતોની આ સમસ્યાના નિવારણ માટે પ્રોજેક્ટ વિચાર્યો અને વર્ષ 2017માં M.Techના અભ્યાસ દરમિયાન પ્રોજેક્ટ રૂપે નારિયેળીના ઝાડ પરથી નારિયેળ ઉતારવા માટે એક આધુનિક મશીનનું નિર્માણ કરવામાં આવ્યું. આ મશીન તૈયાર કર્યા બાદ હું 20થી વધુ ખેડૂતોને મળ્યો અને તેમને આ મશીનના લાભો વિશે સમજાવ્યું, જેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો.
તાજેતરમાં આણંદ અગ્રેકલ્ચર યુનિવર્સિટીના ડો.આર.સ્વર્ણકર સાથે ચર્ચા કર્યા બાદ વિશાલભાઈ દ્વારા એક અત્યાધુનિક ટ્રેકટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવર પર સંચાલિત છે. બે મશીનોમાંથી એક નાનું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે. સંપૂર્ણરીતે તૈયાર કર્યા બાદ આ ટ્રેકટરનું પરીક્ષણ ઘઉં પર કર્યું તો તેના આશ્ચર્યજનક પરિણામો આવ્યા હતા.
આ સંશોધકનું માનવું છે કે, એકવાર બેટરી ચાર્જ કર્યા બાદ ત્રણ કલાક સુધી આ મિનિ ટ્રેકટર ચાલે છે અને એકવાર ચાર્જિગ કરવા પાછળ માત્ર 2 યુનિટનો જ વપરાશ થાય છે. જેનો એકવાર ચાર્જ કરવાના આશરે 10 થી 15 રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે આપણે ડીઝલવાળા રિપરનો ઉપયોગ કરીએ તો 2 થી 3 લિટર પ્રતિ કલાક ડીઝલનો વપરાશ થાય છે. એટલે તેનો ખર્ચ આશરે પ્રતિ કલાક 200 રૂપિયા જેટલો થાય છે. વિશાલભાઈ દ્વારા આવા અનેક સાધનો બનાવવામાં આવ્યા છે જે ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયા છે.