
ગુજરાત માંથી વાવાઝોડું તો પસાર થઇ ગયું પરંતુ તેની અસર હજુ જોવા મળે છે. તૌકતે વાવાઝોડાને કારણે ખેતીના પાકોમાં ખુબજ નુકશાની થઇ છે. તેની માઠી અસર તો ગ્રામીણ વિસ્તારોમાં અને કેરીના પાકને થય છે. જોકે આ નુકશાનીને પહોંચી વળવા માટે અબ્રામા ગામની બહેનોએ મુશ્કેલીના સમય ને અવસરમાં બદલી નાખી છે. વાવાઝોડામાં પડી ગયેલ કેરી અને ચીકુ ફેંકી ન દેવાની બદલે તે ખરી ગયેલા પાક માંથી રસ, મુખવાસ, અથાણાં, ચિપ્સ, આમચુર પાવડર વગેરે જેવી વસ્તુ બનાવીને વેચાણ કરી રહી છે.
નવસારીમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે કેરી અને ચીકુના પાકોને કરોડોનું નુકશાન થયું છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત અને કઠોર પરિશ્રમ પર પાણી ફેરવી નાખ્યું હતુ. જોકે નવસારી કૃષિ યુનિવર્સીટી ના કૃષિ વિકાસ કેન્દ્રમાં તાલીમ પામેલ અબ્રામા ગામની મહિલાઓએ આ મુશ્કેલીના સમયને અવસરમાં બદલીને યુધ્ધના ધોરણે કામગીરી શરૂઆત કરી છે. વાવાઝોડામાં પાકી ગયેલ કેરી જે ખરી પડી હતી, તે બગડી જાય એની પેલા તે કેરીનો રસ કાઢીને ચુસ્ત રીતે કાચની બોટલમાં બંધ કરી રસનો સંગ્રહ કરી લીધો. અંદાજે 550 જેટલી રસની બોટલનું પેકિંગ કરવામાં આવ્યું છે. આ કાચની બોટલમાં રસનો એક વર્ષ સુધી સંગ્રહ કરી શકાય છે. અને જે કાચી કેરી માંથી તેના અલગ અલગ પ્રકારના અથાણા બનાવીને સંગ્રહ કરી લીધો છે.
જે કાચી કેરી ખરી જતાની સાથે ફાટી ગઈ હોઈ તે કેરી ને છીણીને તેની ચિપ્સ ને તડકામાં સુકવીને તેનો આમચૂર પાવડર બનાવવામાં આવ્યો. આ આમચૂર પાવડરનો ખાવાની વાનગીમાં મિશ્રણ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. રસની કામગીરી પૂર્ણ થયા બાદ તેના ગોટલાનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગોટલાને સુકવીને તેને બાફવામાં આવશે અને તેની ગોટલી બનાવીને મુખવાસમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
પાકેલા ચીકુ ખરી ગયા હોઈ, તેવા ચીકુના બટકા કરીને તેને ફ્રીજમાં મુકીને જ્યુસ બનાવવામાં આવે અને ચીકુની સ્લાઇસ કરીને તેને સુકવીને ચીકુની ચિપ્સ બનાવવાની કામગીરી પણ હાલના તબક્કે ચાલી રહી છે.આવી રીતે અબ્રામા ગામની બહેનોએ કેરીની છાલ સિવાય બધાનો ઉપયોગ કરીને નુકશાનનું વળતર ઉભું કરવામાં આવ્યું છે.
ગામની મહિલાઓને રોજગારી મળી
આમ કરવાથી નુકશાનમાં વળતર પણ ઉભું થયું અને તે ગામની મહિલાને રોજગારી પણ મળી. નવસારી કૃષિ યુનિવર્સીટી તરફથી ખેડૂતો માટે અવાર-નવાર ટ્રેનિંગ યોજવામાં આવે છે. આજ ટ્રેનિંગને કારણે કેરી અને ચીકુના ફળનો ઉપયોગ કરીને અલગ-અલગ વાનગી બનાવતા શીખવ્યું હતું, અને આજે ગામની મહિલાઓને કામ લાગી. કેટલાય ખેડૂતોએ તેમની કેરીનો રસ ભરાવવા અને અથાણાં બનાવવાનો ઓર્ડર આપ્યો જેનાથી ગામની બહેનોને રોજગારી મળી.