એકસમયે મેઘવર્ષા માટે તરસી રહેલ ખેડૂતોને રોવાનો વારો આવ્યો- નજર સામે જ તૈયાર પાક થયો બરબાદ

178
Published on: 5:27 pm, Sat, 2 October 21

‘ગુલાબ’માંથી જ સર્જાયેલ ‘શાહીન’ વાવાઝોડું આજે વધુ શક્તિશાળી થશે. આ વાવાઝોડું પાકિસ્તાનમાં આવેલ મકરાણના દરિયાકાંઠે ટકરાશે ત્યારે સૌથી શક્તિશાળી સ્વરૂપ ધારણ કરશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે.. આ વાવાઝોડું શક્તિશાળી થતાંની સાથે જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી સંભાવના રહેલી છે.

જો કે, આ વાવાઝોડું ભારતના દરિયાકાંઠાથી થોડે દૂર રહેવાનું હોવાને લીધે ખુબ નુકસાન થાય એવી સંભાવના નથી એમ છતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં રહેતા લોકો તથા માછીમારોને ચેતવણી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી લઈને ભારે વરસાદને લીધે સેકંડો ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

ઉપલેટામાં ભગવાને ખેડૂતોની પરીક્ષા જ લેવાનું નક્કી કર્યું હોય તેવી સ્થિતી ઉભી થઈ છે ત્યારે પહેલા વરસાદની રાહ જોતા ખેડૂતો પર મેઘરાજાએ આફત બનીને જાણે વરસવાનું નક્કી કર્યું હોય એવી સ્થિતી સર્જાઇ છે. કારણ કે, ખેડૂતોનો તૈયાર પાક નજર સામે જ ખતમ થઇ રહ્યો છે તેમજ ખેડૂતો મેઘરાજાને હવે ખમૈયા કરવાનું આહવાન કરી રહ્યા છે.

આવા દ્રશ્યો જોઇને અહીં ભારેથી અતિભારે વરસાદને લીધે સર્જાયેલી તારાજીનો અંદાજ લગાવી શકાય છે. એકસમયે વરસાદ ઝંખી રહેલા ખેડૂતો માટે વરસાદ એટલી હદે ત્રાટકયો છે કે, વરસાદ નુકસાનીનો વરસાદ સાબિત થયો. અહીં ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી ખેડૂતો નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે.

મજેઠી ગામમાં ખેતરો જાણે સરોવરમાં પરિવર્તિત થઇ ગયા હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતો ભરાયેલા પાણીને મોટર મૂકીને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઉપલેટા તાલુકામાં આવેલ મજેઠી ગામમાં આવેલ ઉપરવાસમાં વરસાદને લીધે ભાદર, મોજ, વેણુ નદીમાં ડેમમાં પાણી છોડતા પાણી ફરી વળ્યા હતા.

જેને લીધે હવે ખેડૂતોના મુખમાં આવેલ કોળિયો છિનવાઇ ગયો હોય એવું લાગી રહ્યું છે ત્યારે બધી જ દિશાઓથી વ્યાપેલ નિરાશામાં ખેડૂતોને બસ હવે એક ફક્ત નુકસાનીના વળતરની આશા રહેલી છે તે વળતર ખેડૂતોને ક્યારે મળશે છે એ જોવું જ રહ્યું.

આણંદ જિલ્લામાં આવેલ ખંભાતના ઉંદેલ ગામના ખેડૂત ઉમંગ પટેલ કહે છે કે, સમગ્ર જિલ્લામાં મેધો ઓળઘોળ થઈ ચુક્યો છે તમેજ અતિ વરસાદથી પાકને ખુબ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર ભાલ પંથકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે.

અન્ય વિસ્તારોમાં વરસાદની અણનમ બેટિંગને લઈ મોટા નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લીધે ખેડૂત પરિવારો વરસાદને રોકવા માટેની મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે. ડાંગર તથા બાજરીન વળી ગયો છે તેમજ હવે વરસાદ પડશે તો ખેડૂતો દેવામાં ડૂબી જશે માટે વરસાદ રોકાઈ જવો જોઈએ.