ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાએ શરુ કરી ધમાકેદાર બેટિંગ, હજુ પણ છે બે દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી

Published on: 10:14 am, Thu, 19 August 21

સમગ્ર રાજ્યમાં ચોમાસાની ખુબ સારી એવી શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં 2 અઠવાડિયાના વિરામ પછી ફરીથી ચોમાસુ સક્રિય થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મત પ્રમાણે આજે ડાંગ, વલસાડમાં અતિભારે, જ્યારે પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. જયારે શુક્રવારે નર્મદા, ડાંગ, તાપીમાં અતિભારે તથા અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદ, દાહોદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે.

અમદાવાદમાં આગામી 22 ઓગસ્ટ સુધી ફક્ત હળવા વરસાદની જ સંભાવના રહેલી છે. સમગ્ર રાજ્યમાં હજુ પણ વરસાદની 48% અછત રહેલી છે. જયારે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદર, સુરેંદ્રનગર જિલ્લામાં વરસાદની 50%ની અછત રહેલી છે.

સમગ્ર રાજ્યમાં આ વર્ષ દરમિયાન ચોમાસું ભલે વહેલું શરૂ થઈ ગયું હોય પણ અત્યાર સુધીમાં ચોમાસાનું સાધારણ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 38.05% જ વરસાદ આવ્યો છે જ્યારે ગયા વર્ષે 18 ઑગસ્ટ સુધીમાં તો સમગ્ર રાજ્યમાં 83.59% વરસાદ નોંધાયો હતો.

ગયા વર્ષની તુલનાએ આ વર્ષે કુલ 46% ઓછો વરસાદ નોંધાયો છે. સરેરાશ વરસાદની તુલનાએ સમગ્ર રાજ્યમાં 48% વરસાદની અછત રહેલી છે. ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ 1 ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. સમગ્ર રાજ્યનાં 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે.

જયારે 15 જિલ્લામાં 50% વરસાદની અછત રહેલી છે. જ્યારે 26 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ ઝોન મુજબ જોવ જઈએ તો આ સીઝનમાં કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 31.74% વરસાદ નોંધાયો છે જયારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 31.30% વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 36.70% તેમજ દક્ષિણ ગુજરાતમાં 43.49% વરસાદ નોધાયો છે.