દરરોજ ચાર-ચાર ટક ખાઈને પણ આ મહિલાએ ઘટાડ્યું 49 કિલો વજન

Published on: 9:27 am, Fri, 20 August 21

આજકાલ દરેક વ્યક્તિને મોટપની સમસ્યા પરેશાન કરતી હોય છે. દરેક જણ પોતાનું વજન ઘટાડવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે. રોજબરોજની ખરાબ થઈ રહેલી લોકોની લાઈફસ્ટાઈલના કારણે ન માત્ર ગંભીર બીમારીઓ પરંતુ મોટાપાની સમસ્યા પણ ઝડપથી વધી રહેલી જોવા મળે છે. વધતા વજનથી પરેશાન વ્યક્તિ તેનું વજન ઓછું કરવા માંગે છે પરંતુ નિયમિત શિડ્યુલ ન હોવાના કારણે આ દરેક માટે સરળ રહેતું નથી. આમ તો વજન ઘણા કારણોથી વધે છે પરંતુ પ્રેગનન્સી દરમિયાન વજન વધવું સ્વાભાવિક છે.

તેવી જ એક મહિલા છે જેણે પ્રેગનન્સી પછી ઘણું વજન વધારી લીધું હતું. તે પોતાના આ વધેલા વજનથી ખુશ ન હતી. જેથી તેણે ક્રેશ ડાયેટથી લઈને વર્ક આઉટ સુધી બધુ ટ્રાય કરી લીધું પરંતુ કંઈ ફાયદો થયો ન હતો. વજન ઓછું કરવું જાણે તેના માટે એક સપનું બની ગયું હતું. નેહા ગુપ્તા નામની આ મહિલાનું પ્રેગનન્સી દરમિયાન વજન વધી ગયા પછી તેણે આગળ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વજન ઘટાડવાનો તેણે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ફાયદો થયો ન હતો. પછી તેણે કંઈક એવું કર્યું કે તેણે આજે પોતાનું 49 કિલો વજન ઓછું કરી નાખ્યું છે. તો ચાલો જાણી લો કંઈ રીતે ઓછું કર્યું આટલું બધુ વજન.

નેહા પોતાની વેઈટ લોસ જર્ની અંગે વાત કરતા જણાવે છે કે, વજન ઘટાડવા માટે હું હંમેશા ઈચ્છતી હતી અને આ મારા માટે કોઈ સપનાથી ઓછું ન હતું. તેના માટે મેં ભાત ખાવાનું છોડી દીધું, વર્કઆઉટ કર્યું અને યોગા પણ કર્યા પરંતુ રીઝલ્ટ ઝીરો મળતું હતું. તેણે વધુમાં જણાવ્યું કે, પ્રેગનન્સી પછી મને વજન વધારાના કારણે થાઈરોડ, અનિયમિત પીરિયડની સમસ્યા થઈ હતી. હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી પરંતુ એક દિવસ સોશિયલ મીડિયા પર હેલ્ધી લાઈફ સ્ટાઈલને લઈને એક પ્રમોશન જોયું હતું જેના પછી મેં વજન ઘટાડવા માટે સંપૂર્ણ મહેનત કરી હતી.

આ માટે સૌથી પહેલા તેણે ડાયેટ પ્લાન નક્કી કર્યો હતો, જેમાં સવારના નાસ્તામાં તે ચા કોફી સાથે બ્રેડ ચીઝ સેન્ડવિચ અથવા બ્રેડ પનીર સેન્ડવિચ લેતી હતી. પછી લંચમાં પરાઠા/ ફ્રાઈડ રાઈસ/ પાસ્તા/ બોઈલ ઈંડા/ નુડલ્સ અથવા કોઈ પણ દાળ, પનીર, દહીં, લીલા શાકભાજી અને સલાડ લેતી હતી. જ્યારે ડિનર માટે તે ચિકન બિરયાની, પનીર પરાઠા અને લીલા શાકભાજી ખાતી હતી. ઉપરાંત, પ્રી વર્ક આઉટ મીલ તરીકે બ્લેક કોફી પીતી હતી. જ્યારે વર્કઆઉટ બાદ વ્હે પ્રોટીન લેતી હતી. ચીટ ડેના દિવસે તે આઈસ્ક્રીમ, મિઠાઈ, જંકફૂડ ખાતી હતી.

નેહાએ જણાવ્યું કે, વજન ઘટાડવા માટે મેં અઠવાડિયામાં 6 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી હતી. મને કાર્ડિયો કરવાનું પણ ઘણું પસંદ છે. આથી અઠવાડિયામાં 2-3 દિવસ 10-15 મિનિટ કાર્ડિયો કરું છું. આટલું જ નહીં, હું અઠવાડિયામાં સાતેય દિવસ 10-12 હજાર સ્ટેપ્સ નિયમિત ચાલું છું. કોઈ પણ ડાયેટ તમને મહિનામાં 10 કિલો વજન ઓછું કરવામાં મદદ કરી શકતું નથી.

વજન ઓછુ કરવા માટે ધીરજ રાખવી જરૂરી છે. દરેકનું શરીર અલગ હોય છે પરંતુ લાઈસ્ટાઈલને એક સરખી રાખવાથી તમને ઈચ્છિત રીઝલ્ટ મળી શકે છે. તેણે જણાવ્યું કે, હું મારા જૂના ફોટાને જોઈને વધારે મહેનત કરવાની પ્રેરણા મેળવતી હતી. હું હેલ્ધી લાઈફસ્ટાઈલના લીધે અત્યાર સુધીમાં 49 કિલો વજન ઓછું કરી ચૂકી છું. હવે હું લોકોને પણ વજન ઉતારવામાં મદદ કરું છું.