આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભું છે, જેમાંથી એક પણ સ્તંભ જમીનને અડતો નથી- જાણો શું છે રહસ્ય

Published on: 1:25 pm, Sun, 31 January 21

ભારતમાં ઘણા બધા પવિત્ર અને વિશ્વ વિખ્યાત મંદિરો આવેલા છે. આંધ્ર પ્રદેશના અનંતપુરમાં એક એવું જ મંદિર છે, જે તેના ઇતિહાસ અને ચમત્કાર માટે પ્રખ્યાત છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ મંદિરના સ્તંભો કોઈ પણ આધાર વગર હવામાં તરે છે. આ ઉપરાંત આ મંદિર રામાયણ કાળ સાથે ખાસ સબંધ ધરાવે છે.

હવામાં તરે છે અહીંના સ્તંભો
આ અનોખું મંદિર બેંગલુરુથી આશરે 100 કિલોમીટર દૂર આંધ્રપ્રદેશના અનંતપુર સ્થિત એક લેપાક્ષી ગામમાં છે. એતિહાસિક મત અનુસાર, તે મંદિર 16મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને લેપાક્ષી મંદિર અથવા વીરભદ્ર મંદિર પણ કહે છે. આ મંદિરની વિશેષતાઓ એ છે કે, આ મંદિરના સ્તંભ આધાર વગર હવામાં લટકે છે. અહીં ઝૂલતા સ્તંભોનું માન્યતા ખુબ જ પ્રચલિત છે કે, જે લોકોની સાડી અથવા કપડા સ્તંભ નીચેથી પસાર થઈ જાય તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભું છે
દક્ષિણ ભારતમાં આવેલું લેપાક્ષિ મંદિરને હેંગિંગ ટેમ્પલ પણ કહેવામાં આવે છે. આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભું છે, જેમાંથી એક પણ સ્તંભ જમીનને અડતો નથી. બધા સ્તંભો હવામાં ઝૂલે છે. વર્ષો પહેલા અહી એક સ્તંભ જમીન સાથે જોડાયેલો હતો, પરંતુ એક બ્રિટીશ ઇંજિનિયરએ એનું રહસ્ય જાણવાની કોશિશ કરી જેથી આ એક માત્ર સ્તંભનો પણ જમીન સાથેનો સંપર્ક તૂટી ગયો.અહી લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવે છે અને શ્રધ્ધાળુઓને એવી શ્રધ્ધા છે કે અહી લટકતા સ્તંભોની નીચેથી એક કપડું પસાર કરવામાં આવે તો પરિવારમાં સુખ સમૃધ્ધિ અને શાંતિ વધે છે.

રામાયણ કાળ સાથે છે ખાસ સબંધ
આ મંદિરનું નામ લેપાક્ષી હોવા પાછળ એક ઇતિહાસ જોડાયેલો છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ અને સિતાજી અહી આવ્યા હતા. રાવણ જ્યારે સિતાજીનું હરણ કરીને લઈ જઇ રહ્યા હતા, ત્યારે આ જ જગ્યાએ જટાયુંએ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. યુદ્ધમાં ઘાયલ થયેલા જટાયું આ જ સ્થળે પડ્યા. ત્યારબાદ ભગવાન રામ જ્યારે સિતાજીની શોધમાં નીકળ્યા, ત્યારે તેઓ ‘લે પાક્ષી’ બોલીને જટાયુને ગળે મળ્યા હતા.‘લે પાક્ષી’નો અર્થ થાય છે ‘ઉઠો પક્ષી’.

16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું મંદિર
આ મંદિર વિરભદ્રને સમર્પિત છે. વિરભદ્ર રાજા પ્રજાપતિ દક્ષએ કરેલા યજ્ઞ પછી અસ્તિત્વમાં આવેલું ભગવાન શિવનું એક સ્વરૂપ છે. આ ઉપરાંત, ભગવાન શિવના અર્ધ નારીશ્વર, કંકાલમુર્તિ, દક્ષિણમુર્તિ અને ત્રિપુરારેશ્વર સ્વરૂપ પણ અહી બિરાજમાન છે. અહી દેવીને ભદ્રકાળી કહેવામાં આવે છે. આ મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર વિજયનગરી શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને વિરભદ્ર માટે બનાવવામાં આવ્યું છે. અહી આ ત્રણે દેવતાઓના અલગ અલગ મંદિરો આવેલા છે.

મંદિર પરિસરમાં નાગદેવતાની ભવ્ય મુર્તિ
લેપાક્ષી મંદિર પરિસરમાં નાગદેવતાની ભવ્ય મુર્તિ છે જે માત્ર એકજ પથ્થરમાંથી બનેલી છે. આ મુર્તિ ભારતની સૌથી મોટી મુર્તિ માનવામાં આવે છે. કાળા ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલી આ મુર્તિ સાત ફેણવાળા નાગની છે. અહી એકજ પથ્થરમાંથી બનેલી દેશની સૌથી મોટી નંદિની પ્રતિમા પણ આવેલી છે. આ મંદિરમાં એક પદ્મચિહ્ન પણ અંકિત છે. એક માન્યતા અનુસાર એ પદ્મચિહ્ન માતા સિતાજીનું છે.