
હમણાં જ ગયેલી અગિયારસ માં મોટા ભાગના ખેડૂતોએ વાવણી કરી છે. વાવણી બાદ ખેડૂતોને પાણી ની સમસ્યા ઊભી થઈ છે જેથી ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર ને જે વિસ્તારોમાં નહેર છે ત્યાં પાણી છોડવાની માંગ કરી છે.કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કહ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું મબલખ વાવેતર થઇરહ્યું છે તેવા સમયે જો સાત થી આઠ દિવસ વરસાદ ન આવ્યો તો ખેડૂતોના મોલ બળી જશે.
જેના કારણે મોંઘા બિયારણ,ટ્રેકટરના ભાડા અને ખાતર ખર્ચ કરનાર ખેડૂતને આર્થિક ફટકો પણ લાગશે. અને ચોમાસું પાકની સિઝન પણ બગડશે. એટલા માટે ખેડૂતોને ઉગારવા માટે સિંચાઇનું પાણી છોડવાની માંગ કરી છે.સાથે સાથે જે વિસ્તારમાં હજુ પણ પાણી છે. ત્યાં વધારાની બે કલાક વીજળી આપવાની માંગ કરી છે.
આ વર્ષે સૌરાષ્ટ્રમાં 20 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 20 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.જેમાં સૌથી વધારે મગફળી અને કપાસનું વાવેતર છે. મગફળીનું 9.16 લાખ હેક્ટરમાં વાવેતર છે. જ્યારે કપાસનું 8.98 હેક્ટરમાં વાવેતર થયું છે.જો કે હજુ સુધી જુનાગઢ જિલ્લાના માણાવદર અને વંથલીમાં વાવણીલાયક વરસાદ ન હોવાથી તે બધા વિસ્તારોમાં વાવેતર બાકી છે.
ગુજરાત માં જિલ્લા પ્રમાણે વાવેતર જોવા જઈએ તો અમરેલી જિલ્લો 3.99 લાખ હેકટર સાથે આગળ છે. અને ગીર સોમનાથ 46 હજાર હેક્ટર સાથે બધા કરતાં પાછળ છે.આ વખતે લગભગ 10 દિવસ વરસાદ પાછો ખેંચાયો છે. જેથી વાવણી કરી દીધેલા ખેડૂતો ની મુશ્કેલી માં વધારો થયો છે. તેથી સંઘે કરેલી માંગણી ઓ પર જલદી થી પગલાં ભરવામાં આવે અને પાણી,વીજળી પહોંચાડવામાં આવે.