
jહાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક બાદ એક યોજના બહાર પાડવામાં આવી રહી છે. હવે ખેડૂતોની આવક વધારવા માટે સરકાર નવુ કૃષિ બિલ લાવવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, કૃષિના મોટા બિઝનેસને રૂપ આપવા માટે સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર દ્વારા 15 લાખ રૂપિયા આપવામાં આવશે. ચાલો જાણીએ આ યોજના વિશે.
જણાવી ગાયે કે, સરકારે પીએમ કિસાન એફપીઓ સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત, દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે સંગઠન અથવા કંપની બનાવવી પડશે. આનાથી ખેડૂતો માટે કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ અથવા દવાઓ ખરીદવાનું પણ ખૂબ સરળ બનશે.
સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે, ખેડૂતોને તેનો સીધો લાભ મળે. આ યોજના માત્ર ખેડૂતોને સીધો લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોએ કોઈ દલાલ કે શાહુકાર પાસે જવું નહીં પડે. આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ વર્ષમાં હપ્તામાં ચૂકવવામાં આવશે. જાણવા મળ્યું છે કે, આ માટે વર્ષ 2024 સુધીમાં સરકાર દ્વારા 6885 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ થોડી વધુ રાહ જોવી પડશે. વાસ્તવમાં સરકાર દ્વારા હજુ સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. જેવી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે, તમે પણ અરજી કરી શકો છો. સરકારના જણાવ્યા અનુસાર, આ માટેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.