રણ વિસ્તાર સમાન બનાસકાંઠામાં ખેડૂતે કર્યો કમાલ- કોઈ ન કરી શકે એવું કાર્ય કરી બતાવ્યું

Published on: 1:32 pm, Sun, 1 August 21

દેશના યુવાનો ભલે ઉંચી ડીગ્રી મેળવી લે પણ તેઓ ધીરે-ધીરે ખેતી બાજુ વળી રહ્યા છે. હાલમાં એક ખુબ રોચક જાણકારી સામે આવી રહી છે. ગુજરાતના એક ખેડૂતે કમાલ કરી બતાવી છે. ખૂબ જ વિકટ પરીસ્થિતિમાં પણ ગુજરાતના એક ખેડૂતે જાતે જ રસ્તો શોધી કાઢ્યો છે.

વાત એમ છે કે, બનાસકાંઠાના એક ખેડૂતે પોતાના ખેતરમાં કુલ 14 લાખના રૂપિયા ખર્ચે જમ્બો તલાવડી બનાવી છે. આ તલાવડી તમે ક્યાંય નહીં જોઈ હોય. આ ખેત તલાવડીમાં કુલ 56 લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે તેમજ કુલ 10 વીઘા જમીનમાં દોઢ વર્ષ ચાલે એટલું મીઠું પાણી મળી રહેશે. પાકને કુલ 40 વાર પિયત કરી શકાશે.

બનાસકાંઠામાં ઉત્તરોતર પાણીના તળ ઉંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખુબ અછત સર્જાય છે ત્યારે એક જાગૃત ખેડૂતે સરકાર પાસે મદદ મંગાવાની જગ્યાએ ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી આ પાણીથી ખેતી કરી શકાય તે માટે સ્વખર્ચે ભગીરથ કાર્યની શરૂઆત કરી છે.

આ જબરદસ્ત કમલ ડીસા તાલુકામાં આવેલ શેરપુરા ગામના ખેડૂત અણદાભાઇ નરેગજીએ કરી બતાવી છે. અણદાભાઇ પ્રાથમિક શાળાના શિક્ષકની સાથે ખેતી પણ કરી રહ્યા છે. ખેત તલાવડીને વિશેષતા જણાવતા અણદાભાઇ જાટ કહે છે કે, અડધા વીઘા જમીનમાં કુલ 110 ફૂટ લાંબી તેમજ કુલ 110 ફૂટ પહોળી તથા કુલ 32 ફુટ ઊંડી પાકી ખેતતલાવડી તૈયાર કરવામાં આવી છે.

અણદાભાઈ જણાવે છે કે, અમારો ડીસા પંછક દિવસે દિવસે પાણીના તળ બાબતે કંગાળ થઈ રહ્યો છે. બોરના તળ સતત ઊંડા થઈ રહ્યા છે. હાલમાં ખેડૂતો 1200 ફૂટ તળે પહોંચી ગયા છે. ત્યાંથી મળી રહેતું પાણી ક્ષારવાળું તથા ગરમ હોય છે. જે ખેતી માટે ઉપયોગી નથી હોતું.

તેઓ વધુમાં જણાવતા કહે છે કે, ડીસા પંથકને વેરાન થતો અટકાવવા ખેડૂતે જાગ્રત થવું પડશે. મારી જમીનમાંથી એક મોટો વોંકળો નીકળે છે. આ વોંકળાને ધ્યાનમાં લઈ કુલ 2 જેસીબી તેમજ કુલ 15 મજૂરોની સતત કામગીરી થઈને 110 ફુટ બાય 110 ફૂટ અને 32 ફુટ ઉંડી તલાવડી બનાવવામાં આવી છે.

આ તલાવડીમાં સીમ્ફોલી પ્લાસ્ટીક કંપની પાસેથી સ્પેશ્યલ ઓર્ડરથી જરૂરિયાત પ્રમાણેની સાઈઝનું કુલ 200 માઈક્રોન પ્લાસ્ટીક મંગાવીને તળિયે તથા સાઈડમાં પાથરવામાં આવ્યું છે. આ પ્લાસ્ટિકની પાછળ કુલ 1.30 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

આ પ્લાસ્ટીક ઉપર એક થર લાલ ઈંટોનો માર મારવામાં આવ્યો છે. હવે આ આ લાલ ઈંટો પર રેતી-સિમેન્ટ-કોંક્રીટથી પ્લાસ્ટર કરવામાં આવશે. આ ખેત તલાવડીની ફરતે ફન્સિંગ પણ કરવામાં આવ્યું છે. જેને લીધે રાત્રે રખડતા ભુંડ એમાં પડે નહીં. આની સાથે વધારાના પાણીનું ઓવરફ્લો થઈને એક જૂના બોરને રિચાર્જ પણ કરવાનું આયોજન રહેલું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આ જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે તેમજ તેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખુબ ઓછા વરસાદને લીધે અમુક વિસ્તારોમાં સિંચાઈ માટે તો ઠીક પણ પીવાના પાણી માટે લોકોએ દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે.

હાલમાં સામાન્ય નુકસાન થતાં અથવા તો ખેત પેદાશોના ભાવ ન મળી રહેતા ખેડૂતો સરકાર સામે સહાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય છે પણ શેરપુરા ગામના અણદાભાઈ જાટ જેવા પ્રગતિશીલ ખેડૂતો આત્મનિર્ભર બનવા માટે સરકાર સામે મદદ માંગવાને બદલે જાતે પોતાના સુઝબૂઝથી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.