
બોર્ડની પરીક્ષા શરૂ થતાં પહેલાં ભુજના એસ.પી.સૌરભ સિંઘ સાહેબે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને બોર્ડની પરીક્ષા આપતા કોઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને પોલીસ વિભાગ તરફથી જે મદદ થઈ શકે તે મદદ કરવા બધા અધિકારીઓને સમજાવ્યા હતા. ત્યારે માનવતાવાદી સૌરભ સિંઘ સાહેબ આવી ઘટનાઓ વખતે અવાર-નવાર પોલીસ અધિકારીઓને સેન્સીટાઈઝ કરતા રહે છે.
ભુજ એલ.આઇ.બી.માં ફરજ બજાવતા પી.આઇ. જય ધોળાએ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પરીક્ષા શરૂ થવાની તૈયારી હતી ત્યારે ભુજની માતૃછાયા સ્કૂલના મુખ્ય દરવાજા પાસે ઉભેલી ચિંતાગ્રસ્ત દીકરી પર જય ધોળાની નજર પડી. પોલીસની પારખું નજર તરત જ કળી ગઈ કે, દીકરીને કંઇક તકલીફ છે. તેમની પાસે જઈને દીકરીને પૂછ્યું, ‘બેટા, કંઈ તકલીફ છે?’
દીકરીએ રડતા રડતા કહ્યું, ‘ હું ગાંધીધામથી પરીક્ષા આપવા આવી છું. મારા પપ્પા મને અહી મૂકીને ઘરે ગયા પણ મારું પરીક્ષા કેન્દ્ર આ નથી, બીજું છે.’ પી.આઇ. જય ધોળાએ રીસિપ્ટ જોઈ તો પરીક્ષા કેન્દ્ર માતૃછાયા સ્કૂલ નહિ પરંતુ વી. ડી.વરસાણી સ્કૂલ હતી. પી.આઇ.એ દીકરીને કહ્યું, ‘બેટા, કોઈ ચિંતા ન કર અમે મદદ કરવા જ ઊભા છીએ. ગાડીમાં બેસી જા હમણાં તને તારા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી દઈએ.’
દીકરી ખૂબ ગભરાયેલી હતી. એક તો બોર્ડની પહેલી વાર પરીક્ષા અને એમાં પહેલા પેપરમાં જ આવું થયું. તેના ચહેરા પર ગભરામણ સ્પષ્ટ દેખાતી હતી. પી.આઇ. જય ધોળાએ દીકરીને પીવા માટે પાણી આપ્યું અને સાંત્વના આપતા કહ્યું, ‘બેટા, જરા પણ ગભરાઈશ નહિ. સ્કૂલ સાવ નજીક જ છે અને હજુ પરીક્ષા શરૂ થવાને વાર છે. સ્કૂલ પહોંચીને તને છેક તારા બ્લોક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દઈશ એટલે તું સમય પહેલા જ તારા પરીક્ષાખંડમાં પહોંચી જઈશ.’
સ્કૂલ સુધી પહોંચવાનો શોર્ટકટ લઈને નિધિ સવાણી નામની આ દીકરીને જય ધોળાએ છેક સ્કૂલ સુધી પહોંચાડી દીધી અને ત્યાં ફરજ પરના કર્મચારીને સૂચના આપી કે, દીકરીને છેક તેના બ્લોક સુધી મૂકી આવો. પોલીસની મદદથી નિધિ તેની પરીક્ષા શરૂ થાય એ પહેલા જ પરીક્ષાખંડ સુધી પહોંચી ગઈ. માનવતાવાદી પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટરની આવી કામગીરી અંગે સાંભળીએ ત્યારે ખાખી પ્રત્યે માન થાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…