
ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન જેવા ખતરાએ દુનિયામાં એક મોટુ જોખમ ઉભુ કરી દીધુ છે. જેમાં એક સૌથી મોટો ખતરો સમુદ્રના જળસ્તરમાં થયેલો વધારો છે. જેને પગલે સમુદ્રના કિનારે આવેલા વિસ્તારોમાં મોટુ સંકટ ઉભુ થઇ ગયું છે. અહી અત્યારે સ્થળાંતરની સ્થિતિ ઉભી થઇ શકે છે.
ભારત પણ આ સમુદ્રના વધી રહેલા જળસ્તરના ખતરાથી બચી શકે તેમ નથી. કેમ કે દેશમાં અનેક રાજ્યો સમુદ્રી કિનારે આવેલા છે. તાજેતર માં જ આ ચેતવણી આપવામાં આવી છે.કહેવામાં આવ્યું છે કે ભારતના પશ્ચિમી કિનારાની રેખા પાસે સ્થિત લક્ષદ્વીપમાં સમુદ્રી સ્તરમાં વર્ષે ૦.૪ એમએમ થી લઇને ૦.૯ એમએમ પ્રતિ વર્ષના માપમાં વધારો થઇ શકે છે.
સ્થિતિ એ છે કે સમુદ્રના જળસ્તરમાં વધારાથી આ ટાપુ અને ત્યાં રહેતા લોકો મુશ્કેલી માં મુકાયા છે. ખાસ લક્ષદ્વીપને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું આ પહેલુ સંશોધન છે. જેમાં ક્લાઇમેટ મોડલ અનુમાનના આધાર પર ભવિષ્યની ભીતિનું એક ચિત્ર દોરવામાં આવ્યું છે.
આઇઆઇટી ખડગપુરના વાસ્તુશિલ્પ ઉપરાંત ક્ષેત્રીય નિયોજન અને મહાસાગર આભિયાંત્રિકી તેમજ નૌવહન વાસ્તુશિલ્પની સંયુક્ત ટીમે આ અધ્યયન હાથ ધર્યું હતું. આ અધ્યયન માટે ભારત સરકારના વિજ્ઞાન તેમજ જળવાયુ પરિવર્તન કાર્યક્રમ એ પણ સાથ આપ્યો હતો. કહેવાય છે કે ૩૬ ટાપુઓના સમુહ લક્ષદ્વીપ એક પર્યટન સ્થળ તરીકે પણ ઓળખાય છે. એવામાં આ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે તેના પર ખતરો વધી ગયો છે.