શા માટે માળામાં ૧૦૮ મણકા આવેલાં હોય છે? જાણો તેના પાછળ નું રહસ્ય

172
Published on: 12:12 pm, Wed, 30 June 21

માળાથી મંત્રજાપની પરંપરા તો સદીઓથી ચાલી રહી છે. શક્ય છે કે તમે પણ માળાથી જ મંત્રજાપ કરતા હશો. આમ તો વધારે મહત્વ મંત્રજાપનું છે. પણ, આ મંત્રજાપમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે માળા જ માધ્યમ બનતી હોય છે અને એટલે જ તેનું મહત્વ બિલ્કુલ પણ ઓછું માનવામાં નથી આવતું.

શક્ય છે કે તમે પણ માળાના માધ્યમથી જ મંત્રજાપ કરતા હશો. પણ, શું તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે માળામાં 108 મણકા જ શા માટે હોય છે ? તો જાણીએ માળામાં પરોવાયેલા 108 મણકાનું રહસ્ય. માળાના મણકા સાથે ચાર માન્યતા જોડાયેલી છે.

 શાસ્ત્રોક્ત ગણના મુજબ 24 કલાકમાં એક વ્યક્તિ 21607 વાર શ્વાસ લે છે. 24 કલાકમાંથી વ્યક્તિના 12 કલાક પોતાની દિનચર્યામાં જ નીકળી જાય છે, અને વધેલા 12 કલાક દેવ આરાધના માટે રહે છે. એટલે કે 10809 શ્વાસનો ઉપયોગ વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવના સ્મરણ માટે કરવાનો રહે છે. જો કે, આટલો સમય ફાળવવો દરેક માટે શક્ય નથી હોતો. એટલે આ સંખ્યામાં રહેલા છેલ્લા બે શૂન્ય કાઢીને 108 શ્વાસમાં જ પ્રભુનું સ્મરણ કરવાની છૂટ પ્રદાન કરવામાં આવી છે.

બીજી એક માન્યતા તરફ નજર કરીએ તો સૂર્ય એક વર્ષમાં 2,16,000 કળાઓ બદલે છે. સૂર્ય 6 મહિના ઉત્તરાયણ અને 6 મહિના દક્ષિણાયનમાં રહેતો હોય છે. એટલે કે, 6 મહિનામાં સૂર્યની કુલ કળાઓ 1,08,000 જેટલી હોય છે. અંતમાં આવેલ ત્રણ શૂન્ય દૂર કરવાથી 108 સંખ્યા મળે છે. એટલે માળા જાપ માટેના 108 મણકા એ સૂર્યની એક એક કળાનું પ્રતિક છે એવું કહી શકાય.

માળાના 108 મણકા સાથે જોડાયેલી ત્રીજી માન્યતા ભારતીય ઋષિઓ દ્વારા થયેલ 27 નક્ષત્રોની શોધ પર રહેલી છે. પ્રત્યેક નક્ષત્રનાં 4 ચરણ હોય છે. આ 27 નક્ષત્ર અને 4 ચરણનું ગુણનફળ 108 આવે છે. જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મહાન પુરુષોનાં નામની આગળ 108 અંકનો પ્રયોગ કરવામાં આવે છે. તે એ સંકેત આપે છે કે જે-તે વ્યક્તિ પ્રકૃતિ, ઇશ્વર અને બ્રહ્મનાં સંબંધમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે જોડાયેલ હોય છે.