તૌકતેના કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવનથી કેરીઓ ખરી પડી, ખેડૂતોને 25 કરોડોનું નુકશાન થવાની આશંકા

224
Published on: 1:40 pm, Tue, 18 May 21

હાલ તૌકતે ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે. વાવાઝોડાના કારણે અનેક જગ્યા વેર-વિખેર થઈ ગઈ છે. કેટલાકના જીવ ગયા છે તો કેટલીક જગ્યાએ પતરા ઉડ્યા છે તેમજ ઝાડ પણ પડી ગયા છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પવનની સાથે અમુક જગ્યાએ મકાન પણ પડી ગયા હોવાની માહિતી મળી છે.

આ દરમિયાન સોરઠમાં તાઉતે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને 25 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સોરઠ એ કેસર કેરીના પાકનું પીઠ્ઠું ગણાય છે. અહિં આંબાના કુલ 16,00,000 ઝાડ છે જેમાં 8 લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે.

જોકે, હાલ માત્ર 35 ટકા પાક જ લેવાઇ ગયો છે. બાકીનો 65 ટકા પાક હજુ આંબા પર જ છે. આ દરમિયાન ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે આંબાના અનેક ઝાડનો સોથ વળી ગયો છે. જ્યારે આંબાના મોટાભાગના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરી પણ ખરી પડી હોવાનું જાણવા મળ્યું છે.

પરિણામે એક અંદાજ મુજબ કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો અને ઇજારદારોને 25 કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. આ દરમિયાન તાલાલા યાર્ડમાં સોમવારે કેસર કેરીના 22,787 બોક્ષની આવક થઇ હતી જેનો ભાવ 400થી લઇને 700 રૂપિયા સુધીનો રહ્યો હતો. જ્યારે વાવાઝોડાના પગલે મંગળવારે તાલાલા યાર્ડ બંધ રહેશે.

હાલ સૌરાષ્ટ્રમાં મોટાભાગનો કેરીનો પાક નિષ્ફળ ગયો છે. બધી કેરીઓ ભયંકર વાવાઝોડાના કારણે નીચે ખરી ગઈ છે અને મોટાભાગના પાકમાં નુકશાન થતા ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે.