છેવાડાનાં ગામમાં રહેતી 10 પાસ મહિલાએ ખેતીક્ષેત્રે ફેલાવી હરિયાળી ક્રાંતિ- જાણીને ગર્વ થશે

365
Published on: 12:02 pm, Tue, 3 August 21

હાલના સમયની મહિલાઓ કોઈપણ ક્ષેત્ર હોઈ એમાં પાછળ પડતી નથી. ખેતીક્ષેત્રમાં પણ મહિલાઓ આગળ વધતી જઈ રહી છે ત્યારે હાલમાં મહિલા સમાજને ગૌરવ અપાવે એવી જાણકારી સામે આવી રહી છે. આજના સમયમાં મહિલાઓ પુરુષ સમકક્ષ જ નહીં પરંતુ આગળ નીકળી રહી છે. જેનું જીવંત ઉદાહરણ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ પાંચપીપરી ગામના મહિલા ઉષાબેન વસાવા છે.

ઉષાબેને 3 વર્ષ અગાઉ 3 એકર જમીનમાં સજીવ ખેતી કરવાની શરૂઆત કરી હતી. જેને કારણે તેઓએ પોતાની જમીનને બગડતી બચાવી છે તથા વાર્ષિક 2 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આની ઉપરાંત તેમનામાંથી પ્રેરણા લઇને હાલમાં હજારો મહિલાઓ સજીવ ખેતી કરે છે.

દેશી ખાતરથી ખેતી કરે છે:
ઉષાબેન જણાવે છે કે, આગાખાન સંસ્થાના માર્ગદર્શન હેઠળ નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ કામ કરે છે. હું આ સંસ્થા સાથે વર્ષ 2005માં જોડાઇ હતી. જ્યાંથી મને સજીવ ખેતી કરવા માટેની પ્રેરણા મળી હતી. આજના આધુનિક સમયમાં રાસાયણિકને દવા કોટેટ બિયારણોથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે કે, જે ખુબ લાંબા ગાળે જમીનને નુકસાન પહોંચાડી રહી છે.

દેશી બિયારણનો ઉપયોગ થાય છે
વધુમાં ઉષાબેન જણાવે છે કે, મે સજીવ ખેતી કરી હતી કે, જેમાં મને ખુબ ફાયદો થયો તથા વર્ષે 2 લાખ રૂપિયાની કમાણી થઈ હતી કે, જેથી મારી ખેતીને જોઇ બીજી મહિલાઓએ પણ સજીવ ખેતી કરી હતી. હાલમાં 3,000 મહિલાઓ સજીવ ખેતી કરવા લાગી છે.

આ મહિલાઓ 3,000 હેક્ટર જમીનમાં સજીવ ખેતી કરી રહી છે. તેઓ લાલ ડાંગર, લાલ જુવાર તથા શાકભાજી સહિતના ઓર્ગેનિક ઉત્પાદનો વેચીને રોજગારી પણ મેળવી રહ્યા છે. અમે માર્કેટમાંથી બિયારણ લાવતા નથી. અમે જાતે ઉગાડેલુ દેશી બિયારણનો જ ઉપયોગ કરીએ છીએ. કારણ કે, બહારનું બિયારણ કેમિકલવાળું હોય છે, એટલે અમે દેશી બિયારણ વાવીએ છીએ.

અનેક એવોર્ડ મેળવ્યા:
ઉષાબેન વસાવાને ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય કૃષિ પુરસ્કાર-2018થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આની ઉપરાંત CII ફાઉન્ડેશન દ્વારા સજીવ ખેતી તથા મહિલા સશક્તિકરણ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા કલેક્ટરે પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આની ઉપરાંત બાગાયત વિભાગ દ્વારા પણ તેમનું સન્માન કરાયું હતું.