આપણે કલ્પના પણ નથી કરી શકતા કે, એક સમયે પારાવાર ગંદકીથી ખદબદતું ગામ આજે કેવી રીતે ગંદા પાણીના સુનિયોજિત તથા વૈજ્ઞાનિક ઢબનાં ઉપયોગથી આર્થિક સમૃદ્ધિ બાજુ આગળ ધપી રહ્યું છે. આ ગામમાં ગંદકીના પુષ્કળ સામ્રાજ્યને લીધે આજથી 4 વર્ષ પહેલા કોલેરા ફાટી નીકળ્યો હતો.
આખા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું હતું. ઘેર-ઘેર આ બીમારી ફેલાઈ ગઈ હતી પણ ગામના સતર્ક સરપંચે ઔધોગિક એકમ ટ્રાન્સપેક તથા સેવાભાવી સંસ્થા શ્રોફ ફાઉન્ડેશનના સહયોગથી આ બીમારીનો કાયમી ઉકેલ શોધી કાઢીને આ ગામે સમગ્ર રાજ્યના ગામડાઓને નવી રાહ ચીંધી છે.
ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બાયો ફિલ્ટર પ્લાન્ટ નંખાયો:
આ વાત પાદરા તાલુકામાં આવેલ ડભાસા ગામનાં ગ્રામ પંચાયતના પેટા પરા એવા ખંડેરાવપુરા ગામની છે. અહીં ગ્રામ પંચાયતના સરપંચ મનોજભાઇ પટેલ જણાવે છે કે, ખંડેરાવપુરા પેટપરામાં પારાવાર ગંદકીને લીધે ગામ લોકો ત્રસ્ત રહેતા હતા. ગામમાં સ્વચ્છતાની સાથોસાથ લોકોનું આરોગ્ય જળવાય એના માટે ખાનગી કંપની તથા સેવાભાવી સંસ્થાના સહયોગથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગંદા પાણીના નિકાલ માટે ગામમાં ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બાયો ફિલ્ટર પ્લાન્ટ નંખાયો છે.
રાજ્ય સરકારનો સહયોગ પણ સાંપડ્યો:
ગામનું બધું જ ગંદુ પાણી એક જગ્યાએ ભેગું કરીને તેને પ્લાન્ટમાં ચોખ્ખું કરવામાં આવે છે તેમજ આ શુદ્ધ કરેલ પાણી ખેડૂતોને કલાકના 20 રૂપિયાના નજીવા દરે સિંચાઈ માટે આપવામાં આવતું હોય છે કે, જે રકમનો ઉપયોગ પ્લાન્ટની મરામત તથા નિભાવ ખર્ચ માટે થાય છે.
ખંડેરાવપુરામાં ગંદા પાણીને શુદ્ધ કરવાનો સમગ્ર રાજ્યનો આ સૌપ્રથમ બાયો ફિલ્ટર પ્લાન્ટ છે. આ પ્લાન્ટ સંપૂર્ણપણે સૂર્ય ઊર્જાથી(સોલાર પાવર) ચાલી રહ્યો છે કે, જેમાં રાજ્ય સરકારનો સહયોગ પણ સાંપડ્યો છે તેમજ વીજ બિલમાં દર મહિને 8,000 રૂપિયાની બચત થઈ રહી છે.
રાસાયણિક ખાતરના વપરાશમાં 50%નો ઘટાડો:
આ પ્લાન્ટમાં શુદ્ધ થતું પાણી ખેડૂતો માટે કાચું સોનું બની રહ્યું છે એમ જણાવતા ગામના ખેડૂત કેશભાઈ જાદવ કહે છે કે, ગામમાં મહતમ ખેડૂતો શાકભાજીની ખેતી કરી રહ્યા છે. આ પાણીને લીધે જમીનની ફળદ્રપતામાં વધારાની સાથે જ ઉત્પાદનમાં પણ વધારો થાય છે.
રાસાયણિક ખાતરના વપરાશમાં 50% નો ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહેતા હોવાથી ઉત્પાદન ખર્ચ ઘટતા ખેડૂતોની આવકમાં પણ વધારો થતાં ખેડૂતો આર્થિક સમૃદ્ધિ બાજુ આગળ ધપી રહ્યા છે. મોટાભાગના ખેડૂતના ખેતરમાં કમ્પોઝ બેડ બનાવાયા છે.
દરરોજ 1.20 લાખ લીટર પાણી શુદ્ધ કરી સિંચાઈ માટે અપાય છે:
ગામના જ એક ખેડૂતભાઈ જણાવે છે કે, ગામમાં 50% ખેડૂતો આ પાણીના ઉપયોગથી સંપૂર્ણ સેન્દ્રીય ખેતી કરી રહ્યા છે. ટ્રાન્સ બાયો ફિલ્ટરના ભવર ઉપાધ્યાય જણાવે છે કે, ફક્ત 190 ઘરોની વસતિ ધરાવતા આ ગામને ઝીરો વેસ્ટ બનાવવા માટે સર્વગ્રાહી પગલાં લેવાયા છે. ગામનું ગંદુ પાણી એક સ્થળે એકત્ર કરીને બાયો ફિલ્ટર પ્લાન્ટ દ્વારા દરરોજ 1.20 લાખ લીટર પાણી શુદ્ધ કરીને ખેડૂતોને સિંચાઈ માટે અપાઈ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…