
બરેલી: તાજેતરમાં બરેલીમાંથી એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આ કહેવતને ઉત્તર પ્રદેશની પાંચ દીકરીઓ પૂરી કરી છે. જાણવા મળ્યું છે કે, બરેલી જિલ્લાના ફરીદપુરના પરિવારમાંથી બે આઈએએસ, એક આઈપીએસ, એક આઈઆરએસ છે. આ ગામના ચંદ્રસેન સાગર તથા તેમની પત્ની મીના દેવીએ 1981માં પહેલી દીકરીને જન્મ આપ્યો હતો. દીકરો હોય તેવી ઈચ્છાને કારણે એક પછી એક એમ ચાર દીકરીઓ થઈ હતી.
ત્યારબાદ ચંદ્રસેને નક્કી કર્યું કે તે દીકરીઓને દીકરાઓની જેમ જ મોટી કરશે અને ખુબ ભણાવશે. જોકે, ગામડાંમાં આજે પણ દીકરીઓને વધારે ભણાવવા દેવામાં આવતી નથી. ચંદ્રસેનને ગામના લોકો મેણા-ટોણા મારતા હતા કે દીકરીઓને આટલું ભણાવવાનું ના હોય. તેમના જલ્દીથી હાથ પીળાં કરી દેવા જોઈએ. પરંતુ, ચંદ્રસેને નક્કી કર્યું હતું કે દીકરીઓને જ્યાં સુધી મન હશે ત્યાં સુધી તેઓ ભણશે.
જાણવા મળ્યું છે કે, દીકરીઓએ યુપીએસસીની મુશ્કેલ પરીક્ષા પાસ કરીને સફળતા પ્રાપ્ત કરી છે. પાંચ દીકરીની સાથે સાથે જમાઈ પણ સફળ છે. ઘરમાં જમાઈની સાથે પરિવારમાં બે આઈએએસ, એક આઈપીએસ, બે આઈઆરએસ છે. સૌથી મોટી દીકરી અર્જિત સાગરે 2009માં બીજા પ્રયાસમાં 628મો રેન્ક યુપીએસસીમાં હાંસિલ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં અર્જિત આઈએએસ છે અને જોઈન્ટ કમિશ્નર કસ્ટમ મુંબઈમાં પોસ્ટેડ છે. આંધ્રપ્રદેશના સુરેશ મેરુગુ સાથે લગ્ન કર્યાં છે. સુરેશ આઈઆરએસ ઓફિસર છે.
ઉપરાંત બીજી દીકરી અર્પિત 2015માં બીજા પ્રયાસમાં આઈએએસ અધિકારી બની ગઈ. તે ગુજરાત કેડરની આઈએએસ અર્પિત વલસાડમાં ડીડીઓ તરીકે કામ કરે છે. તેણે ભીલાઈના છત્તીસગઢના બેંક કર્મી વિપુલ તિવારી સાથે લગ્ન કર્યાં છે. તેમજ ત્રીજી દીકરી અંશિકા તથા ચોથી દીકરી અંકિતા સાગર પ્રાઈવેટ જોબ કરે છે. બંને ગ્રાફિક ડિઝાઈનર છે.
જાણવા મળ્યું છે કે, ચોથા નંબરની દીકરી અંકિતાએ બદાયુના ગ્રાફિક ડિઝાઈનર ગૌરવ અસોલિયા સાથે લગ્ન કર્યાં છે. ત્રીજી દીકરીએ હજી સુધી લગ્ન કર્યાં નથી. આ ઉપરાંત દીકરો અમિશ સાગર ફિલ્મ ડિરેક્ટર છે. તેણે આદિત્ય રોય કપૂર-દિશા પટનીની ફિલ્મ ‘મલંગ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
પાંચમી અને સૌથી નાની દીકરી આકૃતિ સાગરે વર્ષ 2016માં બીજા પ્રયાસમાં યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. હાલમાં આકૃતિ દિલ્હી જળ બોર્ડની ડિરેક્ટર છે. આકૃતિએ આઈપીએસ સુધાંશુ ધામા સાથે લગ્ન કર્યાં છે. સુધાંશુ યુપી, બાગપતમાં રહે છે. હાલમાં સુધાંશુ દિલ્હીમાં પોસ્ટેડ છે.
વધુમાં જાણવા મળ્યું છે કે, ચંદ્રસેને બાળકોના અભ્યાસ માટે દિલ્હીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. એક્ઝામ પહેલાં દીકરીઓ પોતાની માતા સાથે તે ફ્લેટમાં રહેવા જતી રહેતી હતી. અહીંયા તેઓ કોઈ પણ જાતની અડચણ વગર ભણી શકતી હતી. ચંદ્રસેનનો સાળો એટલે કે, દીકરીઓના મામા આઈએએસ અધિકારી હતા અને દીકરીઓને પણ તેમનાથી જ પ્રેરણા મળી છે.