
હાલમાં ખેતીક્ષેત્રને લઈ એક પ્રેરણાદાયક કહાની સામે આવી રહી છે. રાસાયણિક દવા તથા ખર્ચાળ ખાતરની ખેતીને તિંલાંજલી આપીને ખેડૂતો ધીરે-ધીરે પ્રાકૃતિક ખેતી બાજુ વળી રહ્યાં છે કે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં પણ આગળ વધીને જંગલ મોડેલ આધારિત ખેતીની શરૂઆત કરવામાં આવી છે.
ખેડ તથા ખાતર વિનાની આ પ્રાકૃતિક ખેતી કરનાર દિનેશભાઈ સોનાગ્રાએ 15 વીઘા જમીનમાં સૌપ્રથમવાર પ્રયોગ કર્યો હતો કે, જેમાં સફળતા મળી રહી છે. બાગાયતી પાકો પણ દિનેશભાઈ લઈ રહ્યા છે કે, જેને કારણે દર વર્ષે તેઓ 15 વીઘા જમીનમાંથી 8 લાખથી વધારેની કમાણી કરી રહ્યા છે.
છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી:
સાયલાના ખેડૂત દિનેશભાઇ નરોત્તમભાઇ સોનાગ્રા પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં સારી એવી કમાણી ન થતા છેલ્લા 5 વર્ષથી તેઓ જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી બાજુ વળ્યાં છે. જંગલ મોડેલ આધારિત ખેતીમાં કોઈ ખેડ કર્યા વિના તેઓ ખેતી કરી રહ્યા છે. આ ખેતીમાં એકસાથે બધા પાક ભેગા વાવવાના હોય છે. દિનેશભાઇ સોનાગ્રાના ખેતરમાં 30 જેટલા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
કઠોળ, શાકભાજી સાથે ફળાઉ ખેતી:
જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીમાં દિનેશભાઈ અનાજ, કઠોળ, શાકભાજી તેમજ ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. ફળની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ સીતાફળની સાથે તેઓ શાકભાજીનું પણ વાવેતર કરી રહ્યા છે. જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. આની સાથે જ ચોળી, મગ,અડદ જેવા કઠોળનું ઉત્પાદન કરવામાં આવે છે. આ વિસ્તારમાં થતાં તમામ પાકનું વાવેતર કરવામાં આવે છે. આ ખેતીમાં ખર્ચ ખૂબ ઓછો થાય છે.
ગાય આધારિત ખેતી:
દિનેશભાઇ પોતાના ખેતરમાં જે ઉત્પાદન લે છે. તેનું વેચાણ પોતાના જ ફાર્મ પરથી કરવામાં આવે છે. દિનેશભાઈ 15 વિધામાં ખેતરમાં વર્ષે 8 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ગાય આધારિત ખેતી હોવાને લીધે સરકાર તરફથી વર્ષે ગાય નિભાવ યોજનામાં 10,800 રૂપિયાની સહાય મેળવી રહ્યાં છે. આ ખેતી કરવાથી જમીન પણ ખુબ સારી રહે છે. વરસાદનું પાણી સીધુ જમીનમાં જાય છે.
ખેડાણનો ખર્ચ લાગતો નથી:
દિનેશભાઈ જણાવે છે કે, અગાઉ હું રાસાયણિક પધ્ધતિથી ખેતી કરી રહ્યો હતો પરંતુ પદ્ધતિથી થાકી જતાં છેલ્લાં 5 વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. આ પધ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી. જેથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર અથવા તો માણસ રાખવાનો કોઇ જ ખર્ચ થતો નથી. આ પ્રાકૃતિક ખેતીમાં કોઇ દેશી અથવા તો વિદેશી દવાનો છંટકાવ કરવાની પણ જરૂર રહેતી નથી.
લોકો માર્ગદર્શન લેવા આવે છે:
શાકભાજીના વાવેતરમાં રીંગણ, ટામેટાં, કોબિજ, ફુલાવર, પાલક, ખજૂર, ગલકા, દૂધી, ફુદીના તથા કારેલા જેવા સીઝન મુજબના આ વિસ્તારમાં જોવા મળતા તમામ પ્રકારની શાકભાજીઓ છે. જ્યારે જુવાર, બાજરી તથા મકાઇ જેવા અનાજ પણ છે. આની સાથે જ કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકો છે. 5 વીઘાના ખેતરમાં વર્ષે વીઘાદીઠ 8 લાખની આવક થાય છે.