આ વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા કયો સમય છે સૌથી શ્રેષ્ઠ? જાણો અહીં

Published on: 3:00 pm, Wed, 18 August 21

ભાઇ-બહેનના પવિત્ર સંબંધને વાચા આપતા રક્ષાબંધનનો પર્વ થોડા જ દિવસ બાદ એટલે કે ,22 ઓગસ્ટનાં રોજ આવી રહ્યો છે. આ પર્વને આંગળીના વેઢે ગણાઇ એટલા જ દિવસ બાકી રહ્યા છે. રવિવારનાં રોજ શ્રાવણ સુદ પૂર્ણિમાને લઇ રાખડી માર્કેટમાં ખરીદી કરવા માટે ચહેલપહેલ જોવા મળી રહી છે.

પર્વની ઉજવણીને લઇ હજારો પરિવારમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે ત્યારે ભદ્રા તથા રાહુ કાલ વચ્ચે સવારનાં 6.16થી લઈને સાંજે 4.30 વાગ્યા સુધી રક્ષાબંધનની ઉજવણી કરી શકાશે એવું જ્યોતિષીઓ જણાવી રહ્યા છે. આ વર્ષ દરમિયાન રક્ષાબંધનનાં પવિત્ર પર્વ નિમિત્તે ચન્દ્રમાં મંગળના ધનિષ્ઠા નક્ષત્ર તથા શનિની કુંભ રાશિ પરથી સંચાર કરશે.

હિન્દુ શાસ્ત્રોમાં રક્ષાબંધન પર્વનું અનેરુ મહાત્મ્ય જણાવાયું છે. બહેનો ભાઇઓની દીર્ઘાયુ તથા સમૃદ્ધિ માટે તેમના જમણા હાથે રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે કે, જેમાં ભાઇ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરાઈ છે.

આ દરમિયાન રક્ષાબંધન પર્વ આડે ભદ્રાનું ગ્રહણ સમયાંતરે નડે છે. ચાલુ વર્ષ દરમિયાન પણ પૂર્ણિમાની સાથે ભદ્રા છે, પણ સવારનાં 6.16 વાગ્યે પૂર્ણ થઇ જતી હોવાથી સાંજે 4.30 વાગ્યા સુધીના અરસામાં રાખડી બંધાવી શકાશે. જ્યોતિષાચાર્ય ડો. હરીશ જોશી જણાવે છે કે, શ્રાવણ સુદ પૂર્ણિમા શનિવારની સાંજે 7.01 વાગ્યાથી રવિવારની સાંજે 5.31 વાગ્યા સુધી છે.

હિન્દુ પંચાગ મુજબ ભદ્રા કાલને અશુભ મુહૂર્ત માનવામાં આવે છે. ભદ્રા કાલ દરમિયાન શુભ કાર્યો પર નિષેધ રહેલો હોય છે. આ વર્ષ દરમિયાન રક્ષાબંધન પર્વ, પૂર્ણિમા પર ભદ્રાનો છાયો પડે છે પણ ભદ્રા રવિવારની સવારમાં 6.16 વાગ્યા સુધી રહે છે.

જ્યારે સાંજે 4.30 વાગ્યા બાદ રાહુ કાલની શરૂઆત થાય છે. જયારે રક્ષાબંધન ચન્દ્રમા મંગળના ધનિષ્ઠા નક્ષત્ર તથા શનિ કુંભ રાશિ પરથી સંચાર કરી રહ્યા છે. શાસ્ત્રો મુજબ રાવણે ભદ્રા કાલમાં બહેન પાસે રાખડી બંધાવી હતી તેમજ આવતી રક્ષાબંધન સુધી તેનો વિનાશ થયો હતો. ભદ્રા શનિદેવની બહેન છે.

રક્ષાબંધન પર્વે બપોરે 12.04થી 12.58 સુધી અભિજિત મુહૂર્ત:
રવિવારે રક્ષાબંધનનાં પર્વ નિમિત્તે બપોરે 12.04થી લઈને 12.58 સુધીનું અભિજિત મુહૂર્ત રહેલું છે. એમાં પણ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. જ્યારે વહેલી સવારમાં શોભન, માતંગ તથા સર્વાર્થ સિદ્ધિયોગ હોવાને લીધે શુભ યોગ બની રહ્યો છે. બપોરે વૃશ્વિક લગ્નમાં બપોરે 12 વાગ્યાથી લઈને 2.12 વાગ્યા સુધી રક્ષાસૂત્ર બાંધવાનું શુભ મુહૂર્ત છે.

જાણો કઈ રાશિ પ્રમાણે કયા રંગની રાખડી બાંધવી:
મેષ રાશિના જાતકોને લાલ અને પીળો રંગ, વૃષભ રાશિના જાતકોને ગુલાબી રંગ, મિથુન રાશિના જાતકોને લીલા અને બ્લૂ, કર્ક રાશિના જાતકોને સફેદ અને પીળા, સિંહ રાશિના જાતકોને ગુલાબી રંગ, કન્યા રાશિના જાતકોને લીલા અને બ્લૂ, તુલા રાશિના જાતકોને બ્લૂ અને મિશ્ર, વૃશ્ચિક રાશિના જાતકોને લાલ, કુંભ રાશિના જાતકોને બ્લૂ અને ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ.