આ પટેલ ખેડૂતભાઈએ શરુ કરી ઔષધીય ગુણોથી સમૃદ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી- હાલમાં થઇ રહી છે અઢળક કમાણી

181
Published on: 7:35 pm, Wed, 6 October 21

આયુર્વેદિક ઔષધીઓમાં હળદર કેટલાક રોગમાં ગુણકારી હોવાનું મનાય છે. શરદી, કફની સમસ્યા ઉપરાંત ચામડીના રોગમાં રાહત આપતી હળદર કોરોનામાં ઉકાળામાં ખૂબ ઉપયોગમાં લેવામાં આવી હતી. રસોઈમાં મોટાભાગે ઉપયોગમાં લેવાતા મસાલામાં હળદર રસોઈને સ્વાદિષ્ટ તથા રંગ આપવામાં મદદરૂપ થાય છે.

આવી ગુણકારી હળદરની એક યુવા ખેડૂતભાઈએ સફળ ખેતી કરી બતાવી છે. છેલ્લા 5 વર્ષથી 5 વિઘામાં ઔષધીય ગુણથી સમૃદ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી કરીને ભંડારિયામાં રહેતા વલ્લભભાઈ પટેલ વર્ષે 8 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનું અભિયાન:
રાજકોટથી અંદાજે 40 કીમી પાસે ભંડારિયાના ખેડૂત વલ્લભાઇ પટેલ કહે છે કે, જયારે પ્રાકૃતિક ખેતી અંગે જાણ્યું ત્યારે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનો વિચાર આવ્યો હતો. સામાન્ય રીતે માર્કેટમાં મળતી હળદર રાસાયણિક ખાતર મારફતે તૈયાર થતી હોય છે.

એક રોપામાંથી બે કિલોનું ઉત્પાદન:
પ્રાકૃતિક પદ્ધતિથી હળદરની ખેતી વિશેની સફર વિશે વલ્લભભાઇ કહે છે કે, મેં આજથી 5 વર્ષ અગાઉ ફક્ત 5  વીઘામાં હળદરની પ્રાકૃતિક ખેતી શરુ કરી હતી. આની વાવણી કરવા માટે ખાસ પાળા ઊભા કરવામાં આવ્યા  હતા તેમજ સુરતથી ટ્રેકટર તથા ચાસ પાડવાની સાધન-સામગ્રી મંગાવીને ઢોળાવ ઊભા કરી દેવાયા હતા.

જેમાં હળદરની ગાંઠો કે, જે બિયારણ કહેવાય એનું વાવેતર કરવામાં આવ્યું હતું. હળદર ઊગતાં 8 માસ જેટલો સમય લાગે છે તેમજ એને ટપક પદ્ધતિથી પાણી આપી ઉગાડવી પડતી હોય છે. ફક્ત એક રોપામાંથી અંદાજે 2 કિલો જેટલી લીલી હળદરનું ઉત્પાદન મળી રહે છે.

ઝાડની માટી સહિતનું મિશ્રણ પીપમાં તૈયાર કર્યું:
પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત પણ જાતે જ બનાવવામાં આવે છે કે, જેમાં ગૌમૂત્ર, છાણ, લીંબોળી, ચણાનો લોટ, વડલાના ઝાડની માટી સહિતનું મિશ્રણ પીપમાં તૈયાર કરવામાં આવે છે કે, જે જરૂરિયાત પ્રમાણે પિયત સાથે ભેળવી દેવાનું રહેશે. 8 મહિને હળદરનો પાક તૈયાર થાય છે બાદમાં એની લણણી કરવાની હોય છે.

પરિવાર મદદ કરે છે:
કોઠાસૂઝ ધરાવતા વલ્લભભાઈએ લીલી હળદર બજારમાં વેચવાની જગ્યાએ એનો પાઉડર બનાવીને મૂલ્યવર્ધન સાથે વેચાણ કરવાનું પણ જોખમ લીધું હતું. હળદરને સૂકવવા બોઇલર તથા ક્રશર એટલે કે, ઘંટી પણ વસાવી લીધી હતી. બાદમાં પેકિંગ સહિતની જવાબદારી પરિવારે ઉપાડી લીધી તેમજ ફાર્મ પરથી જ વેચાણ શરૂ કરી દીધું હતું.

બ્રાંડનેમ બનાવવાનું આયોજન:
વલ્લભભાઈની મહેનત હળદરની માફક રંગ લાવી હતી, હાલમાં તેમને પહેલેથી હળદરનું બુકિંગ કરવું પડે છે. તેઓ વર્ષે દહાડે વીઘે 40 મણ એટલે કે, 5 વીઘે 200 મણ હળદર ઉત્પાદન મેળવીને એના પાઉડરનું વેચાણ કરીને 8 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે.

આની સાથે જ તેઓ દર વર્ષે હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે. એનું પ્રમાણપત્ર પણ પ્રમાણિત લેબોરેટરી મારફત મેળવવામાં આવે છે. આવનાર ટૂંક જ સમયમાં તેઓ પોતાની બ્રાંડનેમ સાથે બજારમાં પોતાની હળદરને આગવી ઓળખ આપવાનું આયોજન કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…