લ્યો બોલો! આ ખેડૂતભાઈએ અંદરથી પીળા અને બહારથી લીલા તરબુચની કરી સફળ ખેતી- જાણો કેવી રીતે?

196
Published on: 11:27 am, Tue, 3 August 21

હાલમાં એક એવા ફળની ખેતી વિષે જાણકારી લઈને આવ્યા છીએ કે, જેને સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પરંપરાગત ખેતીને બદલે આધુનિક ખેતી ખેડૂતોને માલામાલ કરી દેતી હોવાનું સામે આવી રહ્યું છે. રણના અમૃત તરીકે ઓળખાતાં તરબૂચની સફળ ખેતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ સેગવા સીમળી ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી છે.

ટપક સિંચાઇની આધુનિક પદ્ધતિથી ઉપરથી લીલાં-અંદરથી પીળાં તથા ઉપરથી પીળાં અને અંદરથી લાલ તરબૂચની ખેતી કરે છે. તેઓ કુલ 4.5 એકર જમીનમાં તરબૂચની ખેતી કરી છે, એનાં પૈકી 2 વીઘા જમીનમાં ઓર્ગેનિક તરબૂચની ખેતી કરી છે. આમ, તેઓ હવે ઓર્ગેનિક તરબૂચની ખેતી બાજુ વળ્યા છે તેમજ 4.5 એકર જમીનમાં તરબૂચની ખેતી કરીને તેઓ 9 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

શિક્ષકની નોકરીની સાથે જ ખેતી કરે છે:
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી તાલુકાના સેગવા સીમળી ગામના 29 વર્ષનાં પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઇ રાઠવા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ ગોજિયાફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે M.Sc., M.Ed. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લાં 4 વર્ષથી નોકરીની સાથે ખેતી પણ કરી રહ્યા છે.

આધુનિક ખેતી બાજુ વળ્યા:
પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઇ રાઠવા જણાવે છે કે, મારા પિતાજી વર્ષોથી પરંપરાગત એવી કપાસ, મકાઇ, તુવેર, અડદ, ડાંગરની ખેતી કરતા હતા. જો કે, મારા પિતાજીની ઉંમરને લીધે ખેતીની જવાબદારી મારા પર આવી ગઇ હતી, જેને લીધે મેં પરંપરાગત ખેતીની સાથે જ કંઇક નવું કરવાનું વિચાર્યું હતું, જેને લીધે મેં વર્ષ 2017માં ટપક સિંચાઇ પદ્ધતિથી તરબૂચની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જો કે, શરૂઆતમાં સામાન્ય તરબૂચની ખેતીની શરૂઆત કરી હતી.

આરોહી અને વિશાલા વરાઇટીનું વાવેતર કર્યું:
હાલમાં તેઓ જે તરબૂચની ખેતી કરે છે એ એકદમ નવી વેરાઇટીની છે કે, જેમાં આરોહી વરાઇટીમાં તરબૂચ બહારથી લીલું તેમજ અંદરથી પીળા રંગનું છે તથા વિશાલા વરાઇટીમાં તરબૂચ બહારથી પીળું હોય છે તેમજ અંદરથી લાલ રંગનું હોય છે. આ બંને વરાઇટી માર્કેટમાં એકદમ નવી છે.

એની મીઠાશ પણ સામાન્ય તરબૂચ કરતાં વધારે હોય છે, જેમાં 14% શુગર હોય છે તથા એનો માર્કેટ ભાવ સામાન્ય તરબૂચ કરતાં પ્રતિકિલોએ10 રૂપિયા જેટલો વધુ મળે છે તથા 70 દિવસમાં તરબૂચનો પાક તૈયાર થઇ જાય છે.

આધુનિક પદ્ધતિથી ઉત્પાદન વધ્યું:
તેઓએ સૌપ્રથમવાર તરબૂચ મૂકવાના થાય ત્યારે પાળા બનાવીને તેની ઉપર ડ્રિપની ટોટી મૂકીને એની ઉપર મલ્ચિંગ કરે છે. મલ્ચિંગથી નિંદામણ બિલકુલ આવતું નથી. તરબૂચની આધુનિક ખેતીમાં જીવજંતુઓથી બચવા માટે થોડા અંતરે ક્રોપ ગાર્ડ પણ લગાવાયા છે તેમજ ક્રોપ ગાર્ડથી ખેતરમાં જીવજંતુ આવતા નથી.

જ્યારે જીવજંતુઓ તેમજ માખીઓ માટે ફેરોમેન ટ્રેપ તથા સોલર ટ્રેપ લગાવતાં દવાનો ઉપયોગ નહિવત થઈ જાય છે અને એની સીધી અસર ખર્ચના ઘટાડા પર થતાં ઉત્પાદન તથા નફામાં વધારો થાય છે.

સામાન્ય તરબૂચ કરતાં મીઠા હોય છે:
છેલ્લાં 4 વર્ષથી તરબૂચની ખેતીનું વાવેતર સતત વધતું જઈ રહ્યું છે. સેગવા સીમળી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઇએ આરોહી તથા વિશાલા નામની વરાઇટીનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેમણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરી હતી.