જાણો કેવી રીતે ઝાલાવાડનાં આ પટેલ પ્રગતિશીલ ખેડૂતભાઈએ ખારેકની ખેતીમાંથી ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય

159
Published on: 5:15 pm, Sat, 23 October 21

જગતનો તાત હવે ચીલા ચાલુ ખેતીને બદલે અવનવી ખેતી કરતો થયો છે. વૈજ્ઞાનિક પદ્ધતિ સાથેની ખેતી અપનાવીને બાગાયતી પાકોના વાવેતર મારફતે તેઓ મબલખ કમાણી કરી રહ્યા છે ત્યારે આજે આવા જ એક પ્રગતિશિલ ખેડૂત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કોંઢ ગામના ખેડૂત લક્ષ્મણભાઈ પટેલની વાત કરવા જઈ રહ્યા છીએ.

ઘણાય વર્ષોથી પરંપરાગત ખેતી કરતાં લક્ષ્મણભાઈની 8 વર્ષ અગાઉ બાગાયત વિભાગના અધિકારી સાથે મુલાકાત થઈ ત્યારે તેમની પરંપરાગત ખેતીના ખ્યાલને ધરમૂળમાંથી બદલી નાખ્યો હતો. લક્ષ્મણભાઈ કહે છે કે, મારે 50 વિઘા જમીન છે કે, જેમાં વર્ષ 2013-’14 ના વર્ષ સુધી હું પરંપરાગત ખેત પદ્ધતિ મારફતે ચીલા ચાલુ ખેતી કરતો હતો.

આવા સમયે મને સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારીનો સંપર્ક થતા તેમના માર્ગદર્શન હેઠળ મે મારી જમીનમાં ટીસ્યુકલ્ચર (બારાહી) ખારેકના છોડનું વાવેતર કર્યું હતું. બાગાયતી ખેતીના તેમના 8 વર્ષના અનુભવોની ગાથા વર્ણવતાં લક્ષ્મણભાઇ જણાવે છે કે, મેં ખારેકના 1 છોડના 2,500 રૂપિયા લેખે કુલ 1,050 છોડ મંગાવ્યા હતા.

જેમાં મને સરકારની બાગાયત વિભાગની યોજના અન્વયે પ્રતિ છોડ રૂપિયા 1,250 ની સબસીડી પણ મળી હતી. ખારેકના આ છોડનું મેં બાગાયત અધિકારીના માર્ગદર્શન પ્રમાણે વાવેતર કર્યું હતું. ખારેકના છોડના વાવેતર પછીના શરૂઆતના 3 વર્ષની લક્ષ્મણભાઈની મહેનત તેમજ તેમણે છોડની કરેલી માવજતનું પરિણામ તેમને ચોથા વર્ષથી જ મળવાનું શરૂ થયું હતું.

ખારેકના ઉત્પાદનની જાણકારી આપતા તેઓ કહે છે કે, ખારેકનો 1 છોડ સરેરાશ 150 કિલો ઉત્પાદન આપે છે કે, જેથી જ ઉત્પાદનના સૌપ્રથમ વર્ષે જ મને ખર્ચો કાઢતાં લગભગ 18 લાખ રૂપિયાનો નફો થયો હતો. બાદના વર્ષોમાં ક્રમશ: 26 લાખ, બાદમાં 57 લાખ તેમજ 81 લાખ રૂપિયાનો નફો થયો હતો.

આ વર્ષે મને 1.25 કરોડ રૂપિયાના નફાની આશા હતી પણ કોરોનાના લીધે વિમાની સેવા બંધ હોવાને લીધે અમે અમારી ખારેક બેંગલુરુ, કોલકાતા તથા પોંડીચેરી જેવા રાજ્યોમાં એક્સપોર્ટ કરી ન શક્યા અને વરસાદને લીધે ખારેકનો પાક બગડતા અમારી ધારણા કરતાં 50% નફો ઓછો મળશે.

જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક વિજ્ય કાલરિયા જણાવે છે કે, ગુજરાતના ખેડૂતોની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો પણ બાગાયતી પાકો બાજુનો ઝૂકાવ વધતો જઈ રહ્યો છે. જિલ્લામાં ટીસ્યુકલ્ચર ખારેકના વાવેતરની વાત કરવામાં આવે તો, હાલમાં 50 હેકટરમાં વાવેતર કરાયું છે. આ ખારેકનો વાવેતર વિસ્તાર વધે તેમજ ખેડૂતો ચીલાચાલુ પાકોને બદલે ખારેકના વાવેતર બાજુ વળે તે માટે બાગાયત વિભાગે સહાય આપવાની જાહેરાત કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…