પટેલ ખેડૂતભાઈની મહેનત રંગ લાવી: પોતાના ખેતરમાં કરેલ દાડમની માંગ છેક દુબઈ સુધી પહોંચી

Published on: 1:39 pm, Sun, 1 August 21

ભારતમાં થતી અનેકવિધ ફળોની ખેતીની નિકાસ વિદેશોમાં થઈ રહી છે. ગુજરાતમાં ફક્ત પુરુષો જ નહીં મહિલાઓ પણ ખેતી કરી રહી છે. જેનાથી તેઓ બમણી કમાણી કરી રહી છે. જામનગર જીલ્લામાં આવેલ ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં 12 વર્ષ અગાઉ જેન્તીભાઇ ડોબરીયા નામના ખેડૂતે 2 એકરમાં દાડમની ખેતીની શરૂઆત કરી હતી.

જેમાં તેમને હેક્ટરદીઠ 1 લાખ રૂપિયા નફો થતા હાલમાં તેઓ 10 એકર જમીનમાં દાડમની ખેતી કરી રહ્યા છે. દાડમની ખેતીમાં ફાયદા તેમજ નફાને લીધે ગામના અન્ય ખેડૂતો પણ દાડમની ખેતી બાજુ વળતા હાલમાં લતીપુર ગામમાં દાડમના કુલ 120 બગીચા રહેલા છે.

જયંતીભાઈ જણાવે છે કે, દાડમની ખેતીની પ્રેરણા તમને મહારાષ્ટ્રમાંથી મળી હતી. દાડમની ખેતીમાં સામાન્ય પાક કરતા 4થી 5 ગણી મહેનતની સાથે જ 5 થી 7 ગણો ખર્ચ પણ વધુ થાય છે. જો દાડમનો પાક સારો ઉતરે તો બીજા પાકની તુલનાએ 10 ગણો નફો થાય છે.

જો પાક સારો ન થાય તો ખુબ મોટું નુકસાન પણ થાય છે. બીજા પાકની તુલનાએ દાડમમાં 50% પાણી પણ ઓછું જોઈએ છે. સિંદુરી દાડમ દર વર્ષે બાંગ્લાદેશ જઈ રહ્યા છે, તો અત્યાર સુધીમાં 3 વાર દુબઈ પણ નિકાસ કરવામાં આવી છે.

ઉત્પાદન પ્રક્રિયા ખુબ લાંબી, દાડમની ખેતી પર નિર્ભર રહી ન શકાય:
દાડમના વાવેતરથી લઇને તેના ઉત્પાદનની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે. તેના છોડ મજબૂત કરવા માટે 20 માસનો સમય આપવો પડે છે એટલે કે, અંદાજે 2 વર્ષ જેટલો સમય લાગે છે. આ કારણોસર ફક્ત દાડમના પાક પર નિર્ભર ન રહી શકાય. આની માટે દાડમના છોડ વચ્ચેની લાઈનમાં કપાસ મગફળી જેવા બીજા પાકો લઇ શકાય છે.

દાડમની ખેતી કરતા પહેલા યોગ્ય જાણકારી ખૂબ જરૂરી:
જયંતીભાઈ જણાવે છે કે, દાડમની ખેતી કરવા માટે 3 મહિના મહારાષ્ટ્રમાં તાલીમ પણ લીધી હતી. ત્યારપછી પણ જ્યાં દાડમની ખેતી હોય ત્યાં જઈને નિરીક્ષણ પણ કર્યું હતું. એમ છતાં દાડમની ખેતી કરતા પહેલા તેની યોગ્ય જાણ હોવી ખૂબ જ આવશ્યક છે. જ્યારે સૌપ્રથમ વાર દાડમનું વાવેતર કર્યું હતું ત્યારે લોકો નકારાત્મક વાતો કરતા હતાં. હાલમાં ખેડૂતો ખેતર પર આવે આવે છે તથા માર્ગદર્શન મેળવે છે.