રાજ્યમાં સૌપ્રથમવાર આ પટેલ ખેડૂતભાઈએ કરી કાળા ઘઉંની સફળ ખેતી- જાણો કેવી રીતે?

Published on: 2:47 pm, Wed, 4 August 21

તમે ઘઉંની ખેતી વિષે તો સાંભળ્યું જ હશે પણ ક્યારેય કાળા ઘઉંની ખેતી વિશે સાંભળ્યું છે ખરું! હા, કાળા ઘઉંની ખેતી. ગુજરાતમાં અવનવી ખેતી કરવા માટે ટેવાયેલા પ્રગતિશીલ ખેડૂતો રાજ્યની બહારના અનાજ સાથે ફળ-ફૂલની ખેતી કરતા થયા છે.

સુરત શહેરના ઓલપાડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિરલભાઈ પટેલે પંજાબમાં થતા તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા કાળા ઘઉંની સફળ ખેતી કરી બતાવી છે. ફક્ત 1.5 વિઘા જમીનમાં કાળા ઘઉંની ખેતી કરવાનું સાહસ કરીને પ્રાથમિક તબક્કે મોટી સફળતા મેળવી છે.

1.5 જમીનમાં કુલ 45 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન થયું છે. ખર્ચો કાઢતા દોઢ વિઘામાં કુલ 51,000 રૂપિયાની કમાણી થઈ છે. જેને લીધે સાંધીયેર ગામના યુવાન ખેડૂત વિરલભાઈ પટેલે હવે ખુબ મોટા પાયે ખેતી કરવાની તૈયારી દર્શાવી છે. કાળા ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયર્ન તથા ફાઈબર જેવા તત્વો વધારે હોવાને લીધે ડાયાબિટિસ-કેન્સર સહિતના દર્દીઓ માટે લાભકારક સાબિત થાય છે.

નવા પ્રયોગના સ્વરૂપમાં ખેતી કરી:
ઓલપાડમાં આવેલ સાંધીયેર ગામના પ્રગતિશિલ ખેડૂત વિરલભાઈ પટેલ ખેતીમાં અવનવા પ્રયોગ કરતાં આવ્યાં છે. રાજ્યની બહાર થતાં પાકોની પણ ખેતી કરી રહ્યા છે કે, જેમાં કાળા ઘઉંની ખેતી કરવામાં આવી હતી કે, જેમાં સફળતા મળ્યા પછી વિરલભાઈ બળવંતભાઈ પટેલે બાગાયતી પાકોની ખેતી કરવામાં સફળ થયા હતાં.

ત્યારબાદ હવે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઈ નવી વિકસાવેલ કાળા ઘઉંની જાતની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો કે, જેને લીધે રાજસ્થાનથી 65 રૂપિયા કિલોના ભાવે 50 કિલો બિયારણ લાવીને પોતાના ખેતરમાં દોઢ વિઘા જમીનમાં કાળા ઘઉંની ખેતી કરવામાં આવી હતી.

ઓર્ગેનિક રીતે ઘઉં પકવ્યા:
વિરલભાઈ જણાવે છે કે, સામાન્ય રીતે ટુકડી સહિતની ઘઉંની જાતની ખેતી કરવામાં આવે છે તે પ્રમાણે કાળા ઘઉંની ખેતી કરવામાં આવી હતી. ઘઉંને જેમ વધારે ઠંડી મળે તેમ વધુ સારો પાક આવે છે. જો કે, આ વર્ષે ઠંડીનું પ્રમાણ ખુબ ઓછું હતું. જેને લીધે ઘઉંની જેમ કાળા ઘઉંનો ઉતારો પણ ખુબ ઓછો આવ્યો છે જેને કારણે દોઢ વિઘા જમીનમાં ફક્ત 45 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન થયું છે.

કાળા ઘઉં ઇમ્યુનીટી વધારવાનું કામ કરે છે:
ઓલપાડના મદદનીશ નિયામક કે.વી.રાણા જણાવે છે કે, કાળા ઘઉંનો લોટ પણ કાળો થતો હોવાને લીધે ખાવામાં પસંદ પડતા નથી. જ્યારે સ્વાસ્થની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો કાળા ઘઉંમાં ઝિંક તથા આયર્નનું પ્રમાણ વધુ હોવાને લીધે ઇમ્યુનીટી વધારવાનું કામ કરે છે.

ઘઉંનું ઓનલાઈન વેચાણ કર્યું:
વિરલભાઈ પટેલ જણાવે છે કે, અવનવા પાકો બનાવવા ગમે છે ત્યારે સોશિયલ મીડિયા મારફતે કાળા ઘઉંની ખેતી થતી હોવાની જાણકારી મેળવવા સાથે તેનું બિયારણ પણ મેળવ્યું છે. હાલમાં પહેલા પ્રથમ તબક્કે માત્ર દોઢ વિંઘા જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરતા નજીવો ખર્ચ થયો છે.

કોરોના પછી લોકો પોતાના સ્વાસ્થયની કાળજી લેતા થયા છે ત્યારે કાળા ઘઉંની પણ માંગમાં વધારો થયો છે. સેમ્પલ પણ દર્દીઓને આપવામાં આવે છે. આની સાથે જ ઓનલાઈન પણ વેચાણ માટે મૂકવામાં આવ્યાં છે. જેમ ઓર્ડર મળે તે રીતે લોકો સુધી ઘઉં પહોંચાડવામાં આવે છે.