
હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. સમગ્ર રાજ્યમાં ક્યાંક વરસાદ થયો હોય પણ ક્યાંક વરસાદ ખેંચાયો છે, વરસાદ ખેંચતાની સાથે જ ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે.
આવા મુશ્કેલીના સમયમાં જગતનો તાત હવે સરકાર પાસે પાણી છોડવા માટેની આજીજી કરી રહ્યો છે ત્યારે સામેની તરફ એટલે કે, સરકાર દ્વારા પણ ખેડૂતોની વ્યથા સમજીને પાણી છોડવા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ હાલમાં સમાચાર સામે આવ્યા છે.
રાજકોટમાં આજી ડેમ ખાલી થવાને આરે:
એકબાજુ વરસાદ ખેંચાતા પીવાના પાણીની સમસ્યાનો ભય રહેલો છે ત્યારે જો હજુ પણ વરસાદ ન પડ્યો તો રાજકોટમા પીવા પાણીની પણ ભયંકર અછત સજાઈ શકે છે. આજી ડેમમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી રહેલું છે. આજી-1માં કુલ 350 મિલિયન ક્યૂબિક ફિટ પાણીનો જથ્થો રહેલો છે.
જયારે ન્યારી-1 માં કુલ 615 MCFT પાણી છે. હાલમાં ભાદર-1 માં 1,576 મિલિયન ક્યૂબિક ફિટ પાણીનો જથ્થો રહેલો છે. રાજકોટને હાલના સમયમાં દરરોજ કુલ 326 MLD પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજી માટે નર્મદા નીરની માંગણી માટે મનપા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
સરકારે કરી ખેડૂતો માટે મોટી જાહેરાત:
ખેડૂતોનો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર ખેડૂતોની માઠી દશા જોતાં ગુજરાત સરકાર દ્વારા એટલે કે, નીતિનભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે. પાણીની અછતનો સામનો કરી રહેલ મધ્ય ગુજરાતના ખેડૂતો માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરવામાં આવે છે.
નર્મદા, કડાણા ડેમમાંથી ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં ખેડા આણદ તેમજ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે. નર્મદા ડેમ માંથી પાણીનો જથ્થો મર્યાદિત હોવા છતાં પણ કુલ 3,000 ક્યુસેક લિટર પાણી ખેડૂતોને આપવામાં આવશે.
કુલ 1, 60,000 હેકટરમાં આવેલ પાકોને સરકારની આ જાહેરાતથી લાભ થશે. ખેડૂતોની માંગણીને સંતોષવા સિંચાઇનું પાણી આપવામાં આવશે. કટોકટીનો સમય હોવા છતાં ખેડૂતોને પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખેડા, આણંદ તથા અમદાવાદના ખેડૂતોને પાણી આપવામાં આવશે. અન્ય જિલ્લામા પણ જ્યાં ખેડૂતોને પાણીની અછત વર્તાઇ રહી છે ત્યાં પણ આવનાર દિવસોમા સરકાર પાણી છોડવા વિચાર કરી શકે છે.