
ઘણીવાર ખેડૂતોને પાકમાં ઘણું નુકસાન થવાથી ખેડૂતો આપઘાત પણ કરી લેતા હોય છે અથવા તો વરસાદ નિયમિતપણે ન આવતા પણ ખેડૂતોને ઘણું નુકસાન થતું હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ઘણીવાર ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બીજી બાજુ જિલ્લાના અમુક વિસ્તારમાં કપાસના પાકમાં વિકૃતિ આવતી હોય છે.
આવા સમયે ભેદી રોગ લાગી ગયા હોવાના અહેવાલ જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી મળી રહ્યા છે. જેનાં અંગે પ્રાથમિક સર્વે થતાં આજ દિન સુધી કુલ 680 હેકટર જેટલા વિસ્તારમાં આ રોગ લાગ્યો હોવાનું જણાઈ આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રોગમાં નવા ઉત્પાદિતમાં પણ વિકૃતિ આવી જતા છોડના વિકાસને તેની અસર પહોંચે છે.
જેનાં અંગે પ્રાથમિક તબક્કે કોઇ વાયરસ લાગ્યો હોય અથવા તો તેનાં માટે કોઈ ચોક્કસ કારણ હોય તે જાણી શકાયું નથી પણ પ્રદૂષણને લીધે આવું બન્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ રોગ મોટાભાગે જિલ્લાના નસવાડી તથા સંખેડા તાલુકામાં આવેલ કેટલાક વિસ્તારોમાં લાગ્યો હોવાનું જણાઈ આવ્યું છે.
હાલમાં સર્વે કાર્યરત હોવથી પ્રાથમિક સર્વેમાં કુલ 680 હેક્ટર વિસ્તારમાં આ રોગ લાગ્યો હોવાનું નોંધાયું છે. જિલ્લાના કુલ નોંધાયેલ વાવેતર 1,73,949 હેકટર વિસ્તારમાંથી કુલ 88,111 હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું છે કે, જે સૌથી વધુ વિસ્તારમાં કપાસનો વાવેતર થયુ હોવાનું દર્શાવે છે.
આની સિવાય ડાંગર, મકાઇ, તુવેર, દિવેલા, સોયાબીન તથા શાકભાજી જેવા પાકોનું નોંધપાત્ર ખરીફ પાક તરીકે વાવેતર કરવામાં આવ્યું છે. એક બાજુ વરસાદ મોડો શરૂ થતાં કેટલાક ખરા પાકો માટે સમસ્યા ઉદભવી છે તેમજ બીજી બાજુ આ કપાસના પાકમાં રોગનો નવો ફણગો ફૂટતાં હાલમાં તો ધરતી પુત્રો સામે ચિંતાના વાદળો જ છવાયા છે.