ખેડૂતોનો વલોપાત: 15 મહિનાથી દિનરાત મહેનત કરનાર ખેડૂતોનો પાક એક દિવસમાં ધોવાઇ ગયો અને…

Published on: 10:25 am, Mon, 24 May 21

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂત દ્વારા ૧૫ માસના કરેલા પરિશ્રમ અને કઠોર મહેનત બાદ વાવેતર કરવામાં આવેલ પપૈયાંના પાકને તૌક્વાતે વાઝોડાએ વેરવિખેર કરી નાખતા ખેડૂતને લાખો રૂપિયાની નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતની આવી દશા જોઈને કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવી દશા ઊભી થવા પામી છે.

ગુજરાતના સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાઓમાં તૌક્તે વાવાઝોડાની અસર જોવા મળી છે, તૌક્તે વાવાઝોડું હેમખેમ રીતે પસાર તો થઈ ગયું પરંતુ વાવાઝોડાના ગયા પછી કરેલા વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ કોરોના અને બીજી તરફ વાવાઝોડાથી ખેડૂતો ની પરિસ્થિતિ વધુ દયનિય બની છે.

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યોગેશભાઈ ગોંડલીયા દ્વારા 17 વીઘામાં વાવવામાં આવેલ પપૈયાંના પાકને આશરે 15 મહિના પહેલા તાઇવાન 786 નંબરનું પપૈયાના બિયારણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પપૈયાનો પાકની વાવણી કરવામાં આવી ત્યાં જ વિનાશક તૌક્તે વાવાઝોડાએ ખેડૂતની આશાને રોળી નાખ્યું છે 17 વીઘાની જમીનમાં વાવવામાં આવેલ પપૈયાંના પાકમાંથી આશરે ૧૦,૦૦૦ જેટલા છોડને વિનાશક વાવાઝોડાએ વેરવિખેર કરી નાખ્યું અને તૈયાર પાકને વાવાઝોડા થી ૮ લાખનું આર્થિક નુકસાન ઉપરાંત ૧૫ માસની કઠોર પરિશ્રમ પર પાણી ફરી વળ્યું હતું.

આ ઉપરાંત પપૈયાનો ઉપયોગ રૂટિન ખાવામાં તે ઉપરાંત પાન મસાલા, આઈસ્ક્રીમ કે ગોલા ઉપર નાખવામાં આવતી ડુટીફુટી બનાવવામાં થતો હોય છે. હાલ ખેતરમાં વાવાઝોડાને કારણે પડી ગયેલા પોપૈયા ટુટીફુટી બનાવવા લાયક પણ રહ્યા નથી. ખરાબ કે બગડી ગયેલ પપૈયાનો નાશ કરવા માટે આ ખેડૂત ને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.