આ વર્ષે ક્યારે અને કેવો વરસશે વરસાદ? હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી મહત્વની જાણકારી

Published on: 12:42 pm, Sat, 22 May 21

ચોમાસા અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારેય મહિના વરસાદ સારો થવાની શક્યતા સેવવામાં આવી છે. અંદમાન-નિકોબાર ટાપુ પર, બંગાળના દક્ષીણ ઉપસાગર પર ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે.

આ વખતે બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે પરિબળો ચોમાસા માટે સકારાત્મક છે. મળતી માહિતી મુજબ, 20મી મેથી આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થઈ ગયું છે. જે સ્થિતિ ભારતના દક્ષિણ છેડે ચોમાસાની સાનુકૂળતા બતાવે છે. આ દરમિયાન ચોમાસું સમય પહેલાં 26મી થી 31મી મે સુધી ભારતના દક્ષિણ છેડે આવી પહોંચે તેવી શક્યતા રહેશે.

આ ઉપરાંત જો બંગાળના ઉપસાગરમાં ઉદ્ભવેલુ વાવાઝોડું વધારે પડતો વરસાદ કરશે તો શરૂઆતના ચોમાસા પર તેની અસર થવાની સંભાવના રહેશે. હવામાન વિભાગ દ્વારા તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં તેમજ દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા મે માં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. દેશના પશ્ચિમી કાંઠાના તૌકતે વાવાઝોડું ઘમરોળીને ગયું અને પૂર્વોત્તરના કિનારા ઉપર વધુ એક વાવાઝોડું યાસ ત્રાટકે તેવી શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આનંદના સમાચાર પ્રાપ્ત થયા છે.

હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે, થોડા સમય પહેલાં જ 31મે એ કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હવે તે થોડા દિવસ વહેલું આવી શકે છે. હવે 27મી મેએ ચોમાસું કેરળના કિનારે ટકરાશે અને 2 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે તેવી શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જે અંદાજ આપવામાં આવ્યો છે તે મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે.