
હાલ રાજ્યમાં વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને વરસાદ ખેચાતા સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો રાજ્યમાં વરસાદ ખેંચાયો હોવાના કારણે જળસંકટ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. રાજ્યના મોટા ભાગના ડેમોમાં પાણીનો જથ્થો ઓછો થઇ રહ્યો છે. આ દરમિયાન હવે લોકો અને ખેડૂતો પણ વરસાદની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્ય પર હાલ કોઈ વરસાદી સીસ્ટમ સક્રિય નથી.
બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યના અનેક વિસ્તારમાં આજથી સામાન્ય વરસાદ પડી શકે છે. સાથે જ રાજ્યમાં 18થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો વરસાદ થઇ શકે છે. એક બાજુ રાજ્યનો હવામાન વિભાગ કહી રહ્યો છે કે હમણાં રાજ્ય પર કોઈ વરસાદી સીસ્ટમ સક્રિય નથી અને બીજી બાજુ અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે, રાજ્યમાં આજથી સામાન્ય વરસાદ થઇ શકે છે ત્યારે હવે એ જોયું રહ્યું કે, કોની આગાહી સાચી થશે?
રિપોર્ટ મુજબ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચોમાસાની પૂર્વીય રેખા નિયમિત માર્ગ પર છે. ઉત્તરીય રેખા દક્ષિણ તરફ ફંટાયેલી છે. જેથી તે 15 ઓગસ્ટના રોજ તેના નિર્ધારિત દક્ષિણ રૂટ પર આવશે અને તેના કારણે 18 ઓગસ્ટના રોક વરસાદ માટે સાનુકૂળ ગણી શકાય. આનાથી કોઈ સીસ્ટમ સર્જાવાની કે લો-પ્રેસર સર્જાવાનું છે અને તેનો ગુજરાતને કેટલો લાભ થશે તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. સાથે જ નબળી લો પ્રેસર સીસ્ટમ અને પશ્ચિમી તટ ઉપર સમુદ્રમાં ઓફશોરની સ્થિતિ પણ સારી નથી. જેના કારણે વરસાદી વાદળ આગળ વધતા નથી. આ પ્રક્રિયા બીજા દિવસે પણ નબળી રહી છે.
હવામાન વિભાગની આગાહીની સામે અંબાલાલ પટેલનું કહેવું છે કે, આજથી રાજ્યમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. આ સાથે જ રાજ્યમાં 18થી 24 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. આ વરસાદના કારણે રાજ્યના ખેડૂતોનો પાક બચી જશે. ચોમાસાનો આગામી રાઉન્ડ 17મીથી શરૂ થશે. આગામી 19 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની કોઈ પણ શક્યતા નથી. છૂટા છવાયા વિસ્તારોમાં ઝાંપટા સાથે આગામી 18 ઓગસ્ટ પછી ચોમાસું સક્રિય થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત, ઓગસ્ટના બીજા સપ્તાહમાં વરસાદે હાથતાળી આપી હતી એટલે ક્યાય પણ ભારે વરસાદ થયો નથી.
નોંધનીય છે કે, શુક્રવારના રોજ રાજ્યના 55 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જાણવા મળ્યું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 47% કરતા ઓછો વરસાદ થયો છે. એક પણ જિલ્લામાં પૂરતો વરસાદ થયો નથી. રાજ્યમાં સરેરાશ 36.6% વરસાદ નોંધાયો છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ બાદ વરસાદની શરૂઆત થશે. આ વરસાદ ખેડૂતો માટે અમૃત સમાન અને તેમનો પાક બચાવવા માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે.