સૌરાષ્ટ્રમાં જળબંબાકાર- દોઢ કલાકમાં 4 ઈંચ વરસાદ સાથે આ જિલ્લાઓમાં મન મુકીને વરસ્યા મેઘરાજા

Published on: 12:30 pm, Thu, 9 September 21

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે. મેઘરાજા રાજકોટ જિલ્લામાં મન મુકીને વરસી રહ્યા છે. રાજકોટમાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં પડ્યો હતો. ગોંડલમાં દોઢ કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગોંડલના વાસાવડ ગામની નદી 2 કાંઠે વહી રહી હતી. વસાવડી નદીના પૂલ પરથી પાણી છલકાઈને જઈ રહ્યા હતા.

સવારથી જ ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગોંડલના દેરડી કુંભાજી, મેતા ખંભાળિયા, કેશવાળા, મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન જામવાડી ગામમાં એક મકાન પર વીજળી પણ પડી છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. ભારે વરસાદના કારણે જસદણમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જસદણમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આ ઉપરાંત, જૂનાગઢમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ગિરનાર પર ધોધમાર વરસાદના કારણે દામોદર કુંડ નવા નીરની છલકાઈ ગયું હતું. તો સોનરખ સહિતની નદીઓમાં પણ પૂર જોવા મળ્યું છે. જૂનાગઢના નરસિંહ મહેતા તળાવમાં પણ પાણીની આવક થઈ છે. બાટવા ખારા ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થઇ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બાટવાનું કોડવાવ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે.

ગાજવીજ સાથે જૂનાગઢના ભેસાણ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભેસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બીજી તરફ કેશોદ શહેરમાં પણ એક કલાકમાં બે ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારો તળાવમાં ફરી વળ્યા હતા. કેશોદના અજાબમાં એક કલાકમાં ત્રણથી વધુ ઈંચ વરસાદ પડ્યો છે. વિરામ બાદ સારા વરસાદથી ખેડૂતોના મગફળી, સોયાબીન અને કપાસના પાકને જીવનદાન મળી રહ્યું છે.

ધોધમાર વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વેરાવળની મુખ્યબજારમાં પાણી વહેતા થયા હતા. વેરાવળના સટ્ટા બજાર, તપેશ્વરરોડ, સુભાષરોડ, ગાંધી ચોક સહિતના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત જિલ્લાના સૂત્રાપાડા અને ઊના તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…