રાજકોટના આ ગામમાં ભુવાએ દાણા નાખ્યા અને માતાજી એ કહ્યું કે રસી લઇ લો- ત્યા તો કોરોના વેક્સીન લેવા લાગી ગઈ લાઈન

306
Published on: 2:33 pm, Wed, 13 October 21

મોટા ભાગના ગામડાઓમાં આજસુધી પણ ઘણી અંધશ્રધ્ધા જોવા મળતી હોય છે. ત્યારે હાલ કોરોના વેક્સિનને લઈને પણ કેટલાંક ગામડાંમાં અંધશ્રદ્ધા જોવા મળે છે. આ દરમિયાન, રાજકોટના વીંછિયા પંથકમાં વેક્સિનેશન વધારવા આરોગ્યતંત્રનો અનોખો પ્રયોગ સફળ રહ્યો છે. આરોગ્યતંત્ર દ્વારા આ વિસ્તારમાં ભૂવાઓ સાથે સમજાવટ કરવામાં આવી હતી. જેમાં નવરાત્રિ હોવાથી ભક્તોને આશીર્વાદરૂપે વેક્સિન લેવા રજા આપવા સમજાવતાં આખરે ભૂવાઓએ દાણા જોયા હતા અને ‘નવરાત્રિ હોવાથી વેક્સિન માટે માતાજી રજા આપે છે બાપ!’ ફક્ત એટલું જ કહેતા છેલ્લા 6 મહિનાથી રસીમાં રસ ન દાખવતા લોકો પણ કોરોના વેક્સિન લેવા માટે તૈયાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, વીંછિયા પંથકનાં કેટલાંક ગામોમાં લોકો કોઈપણ રીતે કોરોના વેક્સિન લેવા તૈયાર ન થતાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામસભાઓ યોજવામાં આવી હતી. જોકે, તેમ છતાં મોટી ઉંમરના લોકો અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને કારણે વેક્સિન લેવા રાજી હતા નહી. જો ભૂવા કહે તો જ લોકો વેક્સિન લેવા તૈયાર થાય તેમ હોવાથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ઓછા વેક્સિનેશનવાળા દેવધરી, ઓરી, સમઢિયાળા, આકડિયા તેમજ લાખાવડ સહિતનાં ગામના ભૂવાને મળી તેમના આશીર્વાદ ભક્તોને વેક્સિનરૂપે આપવા સમજાવટ કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, શરૂઆતમાં ભૂવાઓએ ના પાડી હતી. પરંતુ, આખરે સહમત થયા હતા અને માતાજી આગળ વેક્સિન મૂકવા કહ્યું હતું. જેથી પહેલા માતાજી પાસે વેક્સિન મૂકી અલગ-અલગ ગામના ભૂવાઓએ દાણા જોયા હતા અને નવરાત્રિ હોવાથી માતાજી રાજી છે તથા વેક્સિન લેવા સૌને રજા આપે છે.

આ અંગે ટીએચઓ ડો. ખાંભલાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ હોવાથી ભૂવાઓ માતાજીના મઢમાં હોવાને કારણે ભાવિકો પણ વધુ પ્રમાણમાં આવતા હોય છે. જેથી આ દરમિયાન જ ભાવિકોની હાજરીમાં ભૂવાઓ દ્વારા રસી લેવા હાકલ કરવામાં આવતા 6 મહિનાથી રસી લેવાની ના કહેનારા લોકો પણ રસી લેવા તૈયાર થઈ ગયા હતા. 70થી વધુ વયોવૃદ્ધોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોવાનું સામે આવ્યું છે.

આરસીએચઓ ડો. ભંડેરીએ જણાવ્યું હતું કે, ગામડાંમાં વેક્સિનને લઈ અનેક વખત લોકોને સમજાવ્યા હતા. પરંતુ, કોઈ ને કોઈ બહાનું બનાવી કેટલાક લોકો રસી લેવાનું ટાળી રહ્યા હતાં. જેથી કોઈપણ રીતે લોકો રસી લેવા તૈયાર થાય તે માટે આખરે આ પ્રયોગ કર્યો અને તે સફળ રહ્યો છે. ભૂવાઓ પણ રસી લેવા તૈયાર થયા છે. ત્યારે કેટલાક ભૂવાઓએ ઉપવાસ ચાલી રહ્યા હોવાથી નવરાત્રિ બાદ વેક્સિન લેવાનું જણાવ્યું છે.

આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લામાં કોઈ કોરોના વેક્સિન લેવામાં બાકી ન રહે એ માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. અમારો પ્રયાસ કોઈપણ રીતે લોકોને વેક્સિન લેવા માટે તૈયાર કરવાનો છે. જો ગામડાંમાં ભૂવાઓ કે આગેવાનોના કહેવાથી વેક્સિનેશન વધતું હશે તો અન્ય ગામોમાં પણ આવી રીતે સમજાવટથી લોકોને રસી આપવામાં આવશે. જેથી જિલ્લાનાં ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…