
હું સોળ વર્ષની વિદ્યાર્થીની છું. મારી ઊંચાઈ માત્ર ચાર ફૂટ પાંચ ઇંચ છે, જેથી હું હંમેશા લઘુતાગ્રંથિથી પિડાઉં છું. જોકે છેલ્લાં ચાર વર્ષથી નિયમિત રીતે મને માસિક તો આવે જ છે, ઊંચાઈ વધારવાનો કોઈ ઉપાય સૂચવી શકશો ખરા? એક યુવતી (રાજકોટ)
ઉત્તર: કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ સામાન્ય રીતે ઘણી બાબતો પર નિર્ભર હોય છે. પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે એના જૈવિક ગુણસૂત્રો, જે-તે વ્યક્તિને માતાપિતા તરફથી વારસાગત પ્રાપ્ત થાય છે જોકે તમે તમારા પરિવારના અન્ય સભ્યોની ઊંચાઈ વિશે કોઈ નિર્દેશ કર્યો નથી, છતાં માસિકધર્મની નિયમિતતાથી તમે સ્વસ્થ વ્યક્તિ ગણાવ. એટલે એમ લાગે છે કે વંશપરંપરાગત તમારી ઊંચાઈ ઓછી છે.
માટે ખોટી ચિંતા છોડી લઘુતાગ્રંથિને ત્યજી દો. પૌષ્ટિક આહાર લો. નિયમિત વ્યાયામ કરો. હજુ પણ એક-બે વર્ષ સુધી તમારી ઊંચાઈ વધવાની શક્યતા ખરી. એવી કોઈ દવા કે ઇન્જેકશન નથી કે જેથી આપોઆપ ઊંચાઈ વધારી શકાય. ભલે તમે ‘ગ્રોથહોરમોન્સ’ વિશે વાંચ્યું હોય પણ એ તો તે વ્યક્તિ માટે યોગ્ય છે જેના શરીરમાં એ હોરમોન્સની ઉણપ હોય.
પ્રશ્ન: મારી વય ૨૩ વર્ષની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી મારી જાંઘ ઉપર ગર્ભવતી સ્ત્રીના પેટ ઉપર હોય છે તેવા સફેદ રંગના લીટા પડી ગયા છે. જોકે આમ તો હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારે કોઈની સાથે શરીર સંબંધ પણ થયો નથી. લગ્ન પછી મારા પતિ આ બાબતે શંકાશીલ તો નહીં બનેને?
ઉત્તર: તમારી ચિંતા તદ્ન નકામી છે. જાંઘ ઉપર આવા સફેદ લીટા એક સ્વાભાવિક પ્રક્રિયા છે, જેનું કારણ ગર્ભધારણ થવાથી નહીં પણ વધેલી ચરબી છે. મનની આવી શંકા છોડી દો. ભાવિ લગ્નજીવનમાં એવી કોઈ સમસ્યા ઉત્પન્ન જ નહીં થાય.
હું ૪૦ વર્ષની છું. અમને બે સંતાન છે. કેટલાક વર્ષ પૂર્વે મારું ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન થયું હતું. આ પછી સેક્સમાંથી મારી રૂચિ ઘટવા માંડી હતી અને હવે તો મને સેક્સમાં જરા પણ રસ નથી. આ કારણે મારા પતિ મને છોડી દેવાની ધમકી આપે છે. મારી સમસ્યાનું સમાધાન કરવા વિનંતી. એક મહિલા (મણિનગર)
ગર્ભાશય સાથે તમારી બન્ને ઓવરીઓ પણ કાઢી નાખવામાં આવી હોય તો શરીરમાં સેક્સ હાર્મોન્સની ઉણપને કારણે આ સમસ્યા થઈ શકે છે. આવામાં હાર્મોન રિપ્લેસમેન્ટ થિયરીથી ફાયદો થઈ શકે છે. આ મારે તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે. તમારી સમસ્યાનું સમાધાન શક્ય છે. ચિંતા કરવાની જરૂર નથી. તમારા ફેમિલિ ડોક્ટર પાસેથી કોઈ નિષ્ણાતનું નામ લઈ તેમનો સંપર્ક કરો. સમય ગુમાવતા નહીં.
પ્રશ્ન: મારી ઉંમર ૩૧ વર્ષ અને પત્નીની ઉંમર ૨૯ વર્ષ છે. અમને પાંચ મહિનાની બેબી છે. પત્નીની ડિલિવરી પછી અમારો બન્નેનો સેક્સમાં રસ ઓછો થઈ ગયો છે. એ પહેલાં અમે સેક્સમાં ખૂબ જ એક્ટિવ હતાં, પણ હવે તો મન જ નથી થતું. અમારે પાછું પહેલાં જેવું એક્ટિવ થવું છે તો એ માટે શંુ કરવું એનો યોગ્ય ઉપચાર બતાવશો. એક પતિ (સુરત)
ઉત્તર: તમારી સમસ્યા બહુ ગંભીર નથી. ડિલિવરી પછી ઘણી વાર યોનિમાર્ગ વિસ્તરી જાય છે. ઘણી વાર જે પકડ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં આવવી જોઈએ એ નથી આવતી. એને પરિણામે આનંદની જે અનુભૂતિ થવી જોઈએ એમાં ઉણપ વરતાય છે. આવું વારંવાર થયા કરે તો કામેચ્છા પર વિપરીત અસર પડે છે. એક સાધારણ દાખલો છે. તમે એક કપ ચા પીધી. જો એ સારી હશે તો તમને બીજી વાર પીવાનું મન થશે અને સારી નહીં હોય તો પીવાનું મન ઓછું થાય અથવા પરાણે પીવા જાઓ તો જેટલો આનંદ આવવો જોઈએ એટલો ન આવે એ સ્વાભાવિક છે.
એ ઉપરાંત સાધારણ રીતે બાળકના આવ્યા પછી પત્નીનો પ્રેમ બાળક અને પતિ વચ્ચે વિભાજિત થઈ જતો હોય છે. એને કારણે ઘણી વાર આપણને સ્ત્રીની કામેચ્છા ઓછી થઈ ગઈ છે એવો ભાસ થતો હોય છે. એ છતાં તમે સંભોગ પહેલાં સેક્સના વિચારો કરો અને ફોરપ્લેમાં વધારે સમય ગાળો. એ ઉપરાંત સેક્સને લગતંુ સાહિત્ય બન્ને સાથે બેસીને જુઓ કે વાંચો. એનાથી તમારા બન્નેની કામેચ્છામાં વધારો થશે અને પાછો પહેલાં જેવો આનંદ મળશે.
હું ૨૦ વર્ષની છું. છેલ્લા બે-ત્રણ વરસથી મને યુરિન પસાર કર્યાં પછી યુરિનના ટીપા ટપક્યા કરે છે અને ઘણી વાર યુરિન પસાર કરતી વખતે બળતરા પણ થાય છે. શું ભવિષ્યમાં આની અસર મારા લગ્નજીવન પર પડવાની શક્યતા છે? એક યુવતી (મુંબઈ)
આટલા વર્ષ સુધી તમે બેસી કેમ રહ્યા એ જ સમજાતું નથી. હવે સમય ગુમાવ્યા વગર કોઈ નિષ્ણાતનો સંપર્ક કરો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી ડૉક્ટરો યુરિન કલ્ચર અને સેન્સિવિટી જેવી કેટલીક ટેસ્ટ કરાવવાની સલાહ આપશે. જેને કારણે યોનિમાં ઇન્ફેકશનની જાણ થઈ જશે અને ઉચિત દવા લેવાથી જલદી ફાયદો થઈ જશે. આની તમારા લગ્ન જીવન પર કોઈ અસર થવાથી નથી. આવી આ ચિંતા છોડી તમારો ઉપચાર કરવો અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લો. બધુ ઠીક થઈ જશે.
હું ૧૯ વર્ષનો છું. નાનપણમાં મેં મારા દાંતની કાળજી લીધી નહોતી. હવે મને આનું મહત્ત્વ સમજાયું છે. તો શું હવે બગડેલી બાજી સુધરી શકે છે? આ મારે માટે શું કરવું એની સલાહ આપશો? એક યુવક (મુંબઈ)
તમારી સમસ્યા ગંભીર નથી જેનું સમાધાન થઈ શકે નહીં. મોડે મોડે પણ તમને તમારા દાંતનું મહત્ત્વ સમજાયું એ વાત સારી છે. આથી હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને કોઈ સારા ડેન્ટિસ્ટનો સંપર્ક કરો અને તેમની સલાહને અનુસરો. તેમની સારવાર આર્થિક રીતે પરવડે તેમ હોય નહીં તો તમે કોઈ સરકારી હોસ્પિટલ કે ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ આ સારવાર લઈ શકો છો. ચિંતા કરવાની જરૂર નથી.