ગુજરાતના આ યુવાને 50 પૈસે પ્રતિ કિલોમીટર ચાલતી બાઈક બનાવી- મોંઘા પેટ્રોલથી મળશે કાયમી છુટકારો

Published on: 11:23 am, Tue, 24 August 21

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હવે ધીમે-ધીમે લોકો ઇલેક્ટ્રિક બાઈક તથા કારની ખરીદી કરવા બાજુ વળી રહ્યા છે ત્યારે આવા વાહનો માર્કેટમાં પણ આવી ચુક્યા છે ત્યારે શહેરની આર.કે યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કેટલીક નિરુપયોગી વસ્તુઓનો ઉપયોગ કરીને ફક્ત 15 દિવસમાં ઇલેક્ટ્રિક બાઈક બનાવી નાંખ્યું છે.

આ બાઈકને ફૂલ ચાર્જ કરવા માટે 2 યુનિટ પાવરની જરૂરીયાત પડે છે તેમજ એકવાર ફૂલ ચાર્જ થયા પછી આ બાઈકને 55 કિમી ચલાવી શકાય છે. આ ઇલેક્ટ્રિક બાઈક પ્રતિ કિમી ફક્ત 50 પૈસાના ખર્ચથી ચલાવી શકાતું હોવાનું વિદ્યાર્થી જયદીપ ડોડિયા જણાવતા કહે છે.

રાજકોટમાં આવેલ આર.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થી તથા યુવા મિકેનિકલ એન્જિનિયર જયદીપ ડોડિયાએ એમના પ્રોફેસર ડૉ. ચેતન પટેલના માર્ગદર્શન હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ ઇલક્ટ્રિક બાઈકનું નિર્માણ કર્યું છે. આ બાઈક એકવખત  ચાર્જિંગ કર્યા બાદ 55 કિમી ચાલે છે તેમજ એવરેજ સ્પીડ 45 કિમી પ્રતિ કલાકની છે.

જયદીપે બનાવેલ આ બાઈકની ખાસિયત એ છે કે, કોઈપણ જૂના બાઇકને ઇલેક્ટ્રિક બાઇકમાં કન્વર્ટ કરીને તમે તેને રિસાઇકલ કરી શકાય છે. નવા બાઇકની કિંમતની સામે 60% ઓછી કિંમતમાં આ બાઇક તૈયાર કરી શકાય છે. બાઇકમાં ઓટો ક્લચ સિસ્ટમ પણ રહેલી છે કે, જે મોટરને ઓવરલોડ અથવા તો રફ રસ્તામાં સુરક્ષા આપે છે તેમજ બાઈકની લોડ કેરિંગ કેપેસિટી 200 કિગ્રાની છે.