
બનાસકાંઠા જિલ્લા ના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. તેથી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો ખેતી કરે છે આજે અમે તમને એવી જ એક અવનવી ટેકનોલોજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.આવી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો ખર્ચો અને સમય બંને બચાવી લે છે અને પાક ને પણ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે ત્યારે હવે આ દવા ની સમસ્યા સામે આવી છે. અત્યારે ખેડૂતોને સહુથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરીની છે. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જાય છે.જેથી ખેડૂતોને મોટું શારીરિક નુકશાન થાય છે.
ખેતરમાં દવાનો છંટકાવની કામગીરીથી ખેડૂતો બીમાર પણ પડી જાય છે. ખેતીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી ખૂબ જ પડકારજનક છે ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી ઠાકોર નામના પ્રગતિશીલ ખેડૂતે ખેડૂતો માટેની આ મુશ્કેલીનો હલ લાવવાનો પ્રયાસ કર્યો છે. જે રીતે ડ્રોનની મદદથી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી થઈ શકતી હોય તો ખેતી કેમ ના થઈ શકે તે વિચાર ના પગલે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો વિચાર લાવ્યો હતો. ત્યારબાદ તેને તેના આ વિચારને સાકાર કર્યો.
પ્રગતિશીલ ખેડૂત કનવરજી ભાઈ નું માનવું છે કે ડ્રોનથી દવા નો છટકાવ કરીએ તો પાકમાં એકસરખી દવાનો છંટકાવ થાય છે અને ખેડૂતોને શારીરિક નુકસાન પણ થતું નથી. અને તે કહે છે કે ખેડૂતો તેનાથી ખર્ચા,પાણી અને સમયનો બચાવ કરી શકે છે.
આ કનવરજીભાઈ એ બનાવેલ ડ્રોન થી જે દવાનો છટકાવ થઈ રહ્યો હતો તે જોવા માટે ત્યાંના ધારાસભ્ય પણ પહોંચી ગયા હતા.અને તેને કહ્યું કે જો આ રીતે બનાસકાંઠાના ખેડૂતો આધુનિક પદ્ધતિ અપનાવીને ખેતી કરશે તો થોડાક જ વર્ષોમાં બનાસકાંઠા ના ખેડૂતો ખેતી માં ખૂબ જ પ્રગતિ કરશે.