
ખરીફ સીઝનના પાક જેવા કે ડાંગર, મકાઈ, બાજરી, કપાસ વગેરે માટે પાક વીમો લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. એટલે હવે તેના માટે તમારી પાસે ગણતરીના દિવસ જ બાકી છે. ધ્યાનમાં રાખો કે છેલ્લી તારીખ માટે ભલે એક મહિનો બાકી છે, પરંતુ તમારે પાક વાવણીના 10 દિવસની અંદર યોજનામાં જોડાવાનું કાર્ય કરવું પડશે નહી તો તમને આ યોજના નો લાભ મળશે નહીં.
ખાસ વાત એ છે કે સરકારે હવે પીએમ ફસલ વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવી છે. જો તમે ઇચ્છો તો જ તેનો લાભ લઇ શકો છો, જ્યારે પહેલા આ પ્રકારે નહોતું. ખાસ કરીને જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા હતા તે લોકો ને તેમાં ફરજીયાત સામેલ કરવામાં આવતા હતા અને તેમની લોનની રકમમાંથી પ્રીમિયમ કાપવામાં આવતું હતું. તમારે 24 જુલાઈ સુધીમાં બેંકને કહેવું પડશે કે તમારે પાક વીમાની જરૂર નથી. આ માટે બેંક તમારી પાસેથી લેખિત અરજી લેવામાં આવશે.
જો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેતી માટે લોન લેતા ખેડૂત યોજનાનો લાભ લેવા માંગતા નથી અને તેની જાણ બેંકને અરજી દ્વારા નહીં કરે, તો બેંક ખેડૂતના પાકનો વીમો લેવા માટે અધિકૃત રહેશે. જે ખેડૂતોએ સરકારી લોન લીધેલ નથી તેઓએ ગ્રાહક સેવા કેન્દ્ર અથવા વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી તેમના પાકનો વીમો કરાવી શકશે.
વીમા કંપનીઓએ ખેડૂતોની મદદ કરવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમના કર્મચારીઓની પસંદગી કરી છે. યોજના અંતર્ગત ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિઓની રચના કરવામાં આવી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય સ્તરે યોજનાની શરૂઆત (13 જાન્યુઆરી 2016) થી ડિસેમ્બર -2020 સુધીમાં, ખેડૂતોએ લગભગ 19 હજાર કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું હતું, જેના બદલામાં તેમને લગભગ દાવાના રૂપમાં 91 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.