પટેલ ખેડૂતભાઈએ આ ખાસ પદ્ધતિથી ફક્ત 3 મહિનામાં કરી 5 લાખની મબલખ કમાણી- જાણો કેવી રીતે?

Published on: 12:07 pm, Fri, 27 August 21

અનેકવાર પ્રગતિશીલ ખેડૂતોની કહાની સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. આપણે ત્યાં તમામ ઋતુની અલગ-અલગ વિશેષતાઓ રહેલી છે ત્યારે તમામ ઋતુમાં અનેકવિધ ફળોનું સેવન કરવામાં આવે છે ત્યારે ઉનાળાના અમૃતફળ ગણાતી એવી સક્કર ટેટીની સફળતાપૂર્વક ખેતી સુરતમાં થઈ છે.

એન્જિનિયરિંગનો અભ્યાસ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે અધવચ્ચે મુકીને યુવક હાલમાં પ્રગતિશિલ ખેડૂત બની ગયા છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત ખેતીને બદલે સક્કર ટેટીની ખેતીની શરૂઆત કરી છે. જેમાં 8 એકર જમીનમાં જ 3 મહિનામાં 5 લાખની કમાણી કરવાનો અંદાજ વ્યક્ત કરી રહ્યાં છે.

અભ્યાસ છોડીને ખેતીમાં જોતરાયા:
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ ઘલા ગામના 41 વર્ષના યુવા ખેડૂત પ્રવીણભાઈ વલ્લભભાઈ માંગુકિયા મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલ તળાજા તાલુકના શોભાવડ ગામના વતની છે. પ્રવિણભાઈના પિતા પરંપરાગત શેરડી સહિતના પાકોની ખેતી કરતાં હતાં.

જો કે, પુણેમાં બીજા વર્ષનો એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં પ્રવીણભાઈના પિતાની તબિયત નાદુરસ્ત રહેતા તેમણે અભ્યાસ અધુરો મૂકીને ખેતી કરવા લાગ્યા હતાં. ખેતીમાં કંઈક નવિન કરવાની તેમની ખેવનાને લીધે તેઓ દેશ અને પરદેશના કૃષી મેળામાં જતા થયા હતાં. જયાં તેમણે ખેતીની અવનવી આધુનિક ટેકનોલોજીની જાણ થવા લાગી હતી.

ઈઝરાયેલની મુલાકાત દરમિયાન માર્ગદર્શન મળ્યું:
વર્ષ 2002થી ખેતી કરતાં પ્રવિણભાઈ વર્ષ 2018માં ઈઝરાયેલ ગયાં ત્યારે તેમને ખેતીની નવી ટેક્નોલોજી સહિતની પદ્ધતિ જાણવા મળી હતી. જેને કારણે આ પદ્ધતિ તેમજ ત્યાંના લોકોના સંપર્કમાં રહિને પોતાની જમીનમાં સફળ પ્રયોગોની શરૂઆત કરી દીધી હતી.

હાલમાં પણ તેઓ ત્યાંથી ટેલિફોનિક તથા ઈમેઈલ દ્વારા સતત જાણકારી મેળવતાં રહે છે. પ્રવિણભાઈએ ઈઝરાયેલની ટેક્નોલોજી મુજબ જે મલ્ચિંગ કરીને સક્કર ટેટીનું વાવેતર કર્યું છે ખાસ કરીને પોલિ પ્રોપિલીન ગ્રો કવરથી ટેટીને બાહ્ય આવરણથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રથી રોપ લઈ આવ્યા:
પ્રવિણભાઈ કહે છે કે, મહારાષ્ટ્રમાં આવેલ નાસિકથી રોપા દીઠ રૂપિયા 2.70ના ભાવે 45,000 કુંદન જાતિના રોપાનો ઓર્ડર આપીને મંગાવી લીધા હતાં. જેનું 1 જાન્યુઆરી 2021ના રોજ 8 એકરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પ્લાન્ટ રોપ્યા પછી સતત 19 દિવસ સુધી પોલી પ્રોપિલીન કવર(ગ્રો કવર) ઢાંકી દેવામાં આવ્યું હતું.

મલ્ચિંગને લીધે જમીનમાં ભેજ તથા પોષકતત્વો જરૂરિયાત મુજબ જળવાઇ રહે છે તથા નિંદણનો પ્રશ્ન પણ ખુબ ઓછો રહે છે. જ્યારે ગ્રો કવર દ્વારા પાકનું અનેક રીતે રક્ષણ થાય છે. પ્લાસ્ટિકનું ગ્રો-કવર ભીની માટીની સાથે ફળોનો સંપર્ક ટાળે છે. જેથી ફળોમાં થતી ઈજા અટકે છે.

માખી સહિતની જીવાતો અને અન્ય વાયરસથી રક્ષણની સાથે ઝાકળ, ભેજ તથા કમોસમી વરસાદ જેવા વાતાવરણની પ્રતિકુળ અસરની સામે પાકને રક્ષણ મળે છે કે, જેમાં તેમને રાજય સરકારે 38,500 રૂપિયાની સબસિડી મળી છે. જયારે ડ્રીપ ઈરીગેશનમાં 1.52 લાખની સબસિડી મળી છે.

144 ટન ટેટીના ઉત્પાદનનો અંદાજ:
પ્રવિણભાઈ જણાવે છે કે, ટેટીનું વાવેતર કર્યાના 75 દિવસ પછી પાક તૈયાર થઈ ચૂકયો છે કે, જેને લીધે 8 એકરમાંથી લગભગ 144 ટન ટેટીનું માતબર ઉત્પાદન થવાની શક્યતા તેમણે વ્યકત કરી હતી. એકરદીઠ અંદાજીત મજૂરીથી લઈને બીજા 75,000 રૂપિયાનો ખર્ચ થયો છે.

આજદિન સુધી મારે માર્કેટ યાર્ડ સુધી પાકને લઈ જવાની જરૂર જ પડી નથી. સોશિયલ મીડિયા તથા મિત્રો-પરિચિતોના ગ્રુપમાં સીધું જ વેચાણ કરવામાં આવે છે. ગત વર્ષે તરબૂચના પાકમાં પણ લોકો તરબૂચ ખરીદવા માટે છેક સુરતથી મારા ખેતર સુધી આવતા જો 50 કિલોનો ઓર્ડર હોય તો તેમના ઘર સુધી ડિલિવરી કરીને વેચાણ કરવામાં આવે છે.

ખેડૂતોને પણ માર્ગદર્શન આપે છે:
ઉનાળામાં ફળોની રાણી તરીકે પ્રખ્યાત સક્કર ટેટીની સફળતાપૂર્વકની ખેતી કરનાર પ્રવીણભાઈની પાસે લોકો માર્ગદર્શન મેળવવા પહોંચે છે ત્યારે પ્રવિણભાઈ ખેડૂતોને માર્ગદર્શન આપવાની સાથે જ પરંપરાગત ખેતી છોડીને આધુનિક ટેક્નોલોજીયુક્ત ખેતી કરીને ખુબ સારી આવક મેળવવા માટે પ્રોત્સાહન આપે છે. આની સાથે જ કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનીને અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી રહ્યા છે.