
હાલમાં પ્રગતિશીલ ખેડૂતને લઈ એક કહાની સામે આવી છે. રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે ત્યારે બાગાયત વિભાગની અનેકવિધ યોજના મારફતે ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે બાગાયત પાકો કરીને કમાણીમાં નોંધપાત્ર વધારો મેળવી રહ્યાં છે.
બાગાયત પાકો અપનાવાથી ખેડૂતોની આવકમાં પહેલા કરતા 5 ગણો વધારો જોવા મળ્યો છે. બાગાયતી પાકોથી આવકમાં ધરખમ વધારો જોવા મળતા દાહોદ જિલ્લાના ખેડૂતો પણ મોટા પાયે બાગાયતી ખેતી કરતા થયા છે તથા જિલ્લાના આ પાકોના વાવેતર વિસ્તારમાં પણ નોંધનીય વધારો જોવા મળ્યો છે.
સમગ્ર જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર 2,25,600 હેક્ટર છે કે, જેમાં વર્ષ 2018માં બાગાયતી પાકોનો વિસ્તાર કુલ 25,593 હેક્ટર થયો હતો. જિલ્લાના બાગાયત ખાતા દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર તથા ખેડૂતોને બાગાયતી પાકો પ્રત્યે જાગૃતિ અભિયાન થકી આ વિસ્તાર 38,779 હેક્ટર થયો છે. આ વિસ્તાર મહાત્વાકાંક્ષી જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક કરતાં 6,779 હેક્ટર વધુ છે.
ખેડૂતો બાગાયતી પાકો બાજુ વળે એ માટે ખેડૂતો શિબિરો યોજીને તાલીમ કાર્યક્રમો મારફતે બાગાયતી પાકો બાજુ વાળવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં બાગાયતી પાકોનું વાવતેર વધે એનાં માટે ખેડૂતોને મંડપ પદ્ધતિ દ્વારા વેલાવાળા શાકભાજી, બારમાસી પાકોની ખેતી તથા ગવાર તેમજ ભીંડા જેવા ઉનાળુ પાકો બાજુ વાળવા બાગાયતી ખાતાની સહાય યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને સમજ આપવામાં આવી હતી.
જિલ્લાના આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરનાર ખેડૂતોને પ્રાંતિજ તાલુકાના તાલીમ કેન્દ્રમાં તાલીમ આપીને શાકભાજી પાકોની ખેતી ઘરૂં ઉછેર, ખાતર, રોગ, જીવાત અંગે તથા કાપણી બાદનાં વ્યવસ્થાપનને લઈ માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં પરંપરાગત રીતે મકાઇની ખેતી કરવામાં આવે છે.
જિલ્લામાં ફળપાકોનાં વાવેતર કરવા માટે ખેડૂતોમાં જાગૃકતા આવતા ફળપાકોનું વાવતેર છેલ્લા વર્ષોમાં નોંધપાત્ર વધ્યું છે ત્યારે ગત વર્ષે 555 જેટલાં લાભાર્થી ખેડૂતોને વ્યક્તિગત લાભાર્થીઓને ફળવાડી પ્રોજેક્ટ હેઠળ ટેકનીકલ સેક્શન અપાયું હતું. ફળપાકોનો વાવેતર વિસ્તાર વર્ષ 2018માં 6,068 હતો જયારે એમાં વધારો થઈને 6,940 હેક્ટર થયો છે.
વર્ષ 2017માં 1,686 ખેડૂતોને 135.12 લાખ રૂપિયા જયારે વર્ષ 2018માં 4,181 ખેડૂતોને કુલ 208.86 લાખ રૂપિયા, વર્ષ 2019માં 2,751 લાભાર્થીઓને કુલ 197.33 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. જયારે વર્ષ 2020-’21માં કુલ 7,203 ખેડૂતોને 353.38 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી.