ગુજરાતના આ મંદિરમાં થાય છે શિવલીંગનો સૂર્યના કિરણોથી અભિષેક- રહસ્યોથી ભરેલું છે મંદિર

Published on: 3:25 pm, Thu, 19 August 21

ગુજરાત: ગુજરાતમાં એવા ઘણા મંદિર આવ્યા છે જેના બાંધકામનો કોઈ જવાબ નથી. આવું જ એક મંદિર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાંકી નદીના કિનારે અબ્રામા ગામમાં આવેલું છે પ્રાચીન તાડકેશ્વર મંદિર. ભોલેનાથના આ મંદિર પર શિખરનું નિર્માણ શક્ય નથી. તેથી સૂર્યની કિરણો સીધા શિવલિંગ પર અભિષેક કરે છે. 1994માં મંદિરનું જીર્ણોદ્વાર કરીને 20 ફૂટના ગોળાકાર આકૃતિમાં ખુલ્લા શિખરનું નિર્માણ કરવામાં આવ્યું. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન તથા મહાશિવરાત્રિ પર અહી વિશાળ મેળો ભરાયેલો હોય છે.

800 વર્ષ જૂના આ અલૌકિક મંદિર વિશે પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એક ગોવાળિયાએ જોયું કે એક ગાય તેના ઝુંડમાંથી અલગ થઈને રોજ જંગલમાં જાય છે. ત્યાં તે એક જ જગ્યા પર ઉભી રહીને પોતાના દૂધની ધારા પ્રવાહિત કરે છે. ગોવાળિયાએ અબ્રામા ગામ પરત ફરીને ગામ લોકોને સમગ્ર ઘટના વિશે જાણ કરી કે, આ ગાય એક જ સ્થળ પર દૂધ અભિષેક કરે છે. શિવભક્ત ગ્રામીણોએ ત્યાં જઈને જોયુ તો તેમને આશ્ચર્ય થયુ હતું. ગાય જે જગ્યાએ ઉભી રહેતી હતી ત્યાં તેની જમીન નીચે એક શિવલિંગ હતું.

ત્યારબાદ ગામ લોકોએ રોજ જંગલમાં જઈને તે સ્થળે અભિષેક કરવાનું શરૂ કરી દીધું. ગોવાળિયાની અતૂટ શ્રદ્ધા પર શિવજી ખુબ જ પ્રસન્ન થયા હતા. જેથી શિવજીએ ગોવાળિયાને સપનામાં દર્શન આપ્યા હતા. શિવજીએ કહ્યું કે, ઘનઘોર વનમાં જઈને કરાયેલી તારી તપસ્યાથી હુ ખુશ થયો છું. હવે મને અહીથી લઈ જઈને કોઈ પાવન જગ્યા પર સ્થાપિત કરી દે. બાદમાં ગોવાળિયાએ સપનામાં આવેલ શિવજીના આદેશ મુજબ કામ કર્યું.

ગોવાળિયાની વાત સાંભળીને શિવભક્ત ગ્રામીણ વનમાં ગયો. પાવન સ્થળ પર જઈને ખોદકામ કર્યું, તો અહીંથી સાત ફૂટનું શિવલિંગ સ્વરૂપ મળી આવ્યું હતું. અને ત્યારબાદ ગ્રામીણો દ્વારા પાવન શિલાને ગામની અંદર એક મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેને આજે લોકો તાડકેશ્વર મંદિરના નામથી ઓળખે છે. વિધિવિધાનથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચારેય બાજુ દિવાલ બનીને ઉપર છત બનાવી હતી. પણ ગ્રામીણોએ જોયું કે, થોડા સમયમાં જ આ છત સળગીને સ્વાહા થઈ ગઈ હતી.

આવુ વારંવાર થઇ રહ્યું હતું. ગ્રામીણો વારંવાર પ્રયાસો કરી રહ્યા હતા, પણ મંદિરની છત ન બની. ત્યારબાદ ગોવાળિયાને ફરીથી ભગવાન શિવે દર્શન આપ્યા. તેમણે કહ્યું કે, આ તડકેશ્વર મંદિરમાં કોઈ છાપરુ કે આવરણ ન બનાવો. બાદમાં શિવજીના આદેશ મુજબ ગ્રામીણોએ એવુ જ કર્યું. શિવલિંગ માટે મંદિર તો બનાવ્યું, પણ શિખરનો ભાગ ખુલ્લો મૂકી દીધો. જેથી હવે સૂર્ય કિરણ હંમેશા શિવલિંગ પર અભિષેક કરે છે. જાણવા મળ્યું છે કે, આજે પણ આ મંદિરમાં તડકાથી શિવલિંગ પર અભિષેક કરે છે, જે શિવજીને ખુબ જ પ્રિય છે.