હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલ તાઉ-તે સાઇક્લોને આજે વધુ વિનાશક રૂપ ધારણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તેમજ સાંજે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગત મૂજબ પ્રતિ કલાકે સીધી લીટીમાં 13 કિ.મી.ની ઝડપે અને કલાકના 125-135 કિ.મી.ની ગતિએ ચક્રાવત ગુજરાત તરફ આવી રહ્યું છે. આવતા બે દિવસ એટલે કે સોમ અને મંગળવાર સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર તરફ પહોંચવાની શક્યતાના આધારે સરકાર અને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. આ ઉપરાંત બે દિવસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા પાસેના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા
આ ઉપરાંત ભારે વિનાશક ચક્રવાત પોરબંદર અને નલિયા વચ્ચે દેવભુમિ દ્વારકા પાસેના દરિયામાંથી આવીને જમીન સાથે ટકરાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. સાયક્લોનની આજની દિશા અનુસાર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, નલિયા, ભૂજ વગેરે વિસ્તારોમાં વિનાશક પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 અને 18 મે એમ બે દિવસ પડકારરૂપ
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને તારીખ 17 અને 18મે એમ બે દિવસ આ વિનાશક વાવાઝોડાના કારણે પડકારરૂપ રહેશે. જમીન સાથે ટકરાયા બાદ જો વાવાઝોડુ નબળું પડે તો પણ તેની અસર દૂર દૂર સુધી વ્યાપક રીતે થતી હોય છે અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની પૂરી શક્યતા હોય છે.
જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના
સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીના પગલે સરકાર દ્વારા NDRFની ટીમોની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જેમાં મંત્રીઓ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી તમામ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અને સ્થળાંતરની જરૂરિયાત જણાય તો તે અને ફૂડ પેકેટ સહિતની તૈયારીઓ અંગે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.