
બંગાળના અખાતમાં બનેલ ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ વાવાઝોડાની તીવ્રતા ગુજરાતના દરિયાકિનારે સુધી પહોંચતા વધારો થયો હતો. જેને લીધે છેલ્લા ફક્ત 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેકવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 196 જેટલા તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદ પડ્યો હતો.
જેમાં સૌરાષ્ટ્રમાં આવેલ વિસાવદરમાં સૌથી વધારે 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જૂનાગઢમાં આવેલ સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભરૂચ શહેરમાં એકધારા 14 કલાક વરસાદને લીધે શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા.
અમરેલી, ભાવનગર, ભરૂચ, જામનગર સહિત કેટલાક શહેરોમાં સવારથી સતત વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદને લીધે સમગ્ર રાજ્યમાં 200 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ગુલાબ વાવાઝોડાની તીવ્રતામાં વધારો નોંધાતા કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ આપી દેવાયું હતું.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 60થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે એવી આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં પણ અતિભારે વરસાદને લીધે ફક્ત રાજકોટ જિલ્લામાં જ 27માંથી 21 જળાશયો ઓવરફ્લો થઈ ચુક્યા છે.
આગાહીને કારણે NDRFની 17 ટીમો તૈનાત:
અતિભારે વરસાદને કારણે રાજ્યમાં NDRFની 20માંથી 17 તેમજ SDRFની 11માંથી 8 ટીમોને તૈનાત કરી દેવાઈ છે. NDRFની ટુકડીઓ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની ટુકડીઓ રાજકોટ, જૂનાગઢ, જામનગર તથા ખેડામાં મોકલી દેવાઈ છે.
‘ગુલાબ’ 24 કલાકમાં ‘શાહીન’ બનવાની આગાહી:
દક્ષિણ ગુજરાત તથા ખંભાતના અખાતની વચ્ચે બુધવારની સવારે ગુલાબ વાવાઝોડાનો એક હિસ્સો તીવ્ર બન્યો હતો, 1 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ શાહીન વાવાઝોડામાં તબદીલ થવાની આગાહી રહેલી છે. શાહીન વાવાઝોડું જો કે ગુજરાત કાંઠા પાસેથી પસાર થઈને ઓમાન બાજુ આગળ ધપશે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર તથા કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…