રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ થઈ રહી છે અનરાધાર મેઘવર્ષા- આગામી દિવસોમાં આ વિસ્તારોમાં થશે મેઘતાંડવ

Published on: 12:26 pm, Tue, 28 September 21

સમગ્ર રાજ્યનાં 6 જેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 20 જેટલા જિલ્લામાં આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે આગામી 5 દિવસ અતિભારે વરસાદ થવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારનાં 6 વાગ્યાથી જ કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો.

વહેલી સવારમાં ફક્ત પશ્ચિમ વિસ્તારમાં જ અડધો કલાક વરસાદ પડ્યો હતો કે, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા તથા સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં હજુ પણ 10% વરસાદની ઘટ રહેલી છે ત્યારે આ સીઝનમાં અત્યાર સુધીમાં થયેલા વરસાદમાં 50% વરસાદ ફક્ત સપ્ટેમ્બર માસમાં જ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં નોંધાયો વરસાદ:
સમગ્ર રાજ્યમાં છેલ્લા ફક્ત 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે કે, જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે ત્યારે આજે સવારથી જ ફક્ત 2 કલાકમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ ચુકી છે.

જેમાં સૌથી વધારે ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ તથા ધોળકામાં 10 મિમી કરતાં વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ નોંધાયો છે કે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો હજુ પણ કોરા ધાકોર છે.

આ જિલ્લાઓમાં આજે વરસાદ થઈ શકે છે:
સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આની ઉપરાંત આવતીકાલે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં અતિભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.

લૉ પ્રેશર સિસ્ટમ બનતા ગુજરાત તરફ આવી એટલે વધુ વરસાદ:
સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરવામાં આવેલ રિસર્ચ થિયોરિટીકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું કે, જેમાં જણાવ્યા પ્રમાણે, લૉ પ્રેશરમાં થતા બદલાવને લીધે વરસાદની મંથલી પેટર્નમાં બદલાવ જોવા મળ્યો છે.