સૌરાષ્ટ્રના આ ખેડૂતભાઈએ કર્યો નવતર પ્રયોગ- કાજુની સફળ ખેતીમાંથી વીઘાદીઠ કરી મબલખ કમાણી

Published on: 3:53 pm, Wed, 4 August 21

દેશના ખેડૂતો અનેકવિધ પાકોની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતો પણ કોઇથી પાછળ નથી રહ્યા. સોસીયલ મીડિયા પર અવારનવાર ગુજરાતના સફળ ખેડૂતની કહાનીસામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે.

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પથ્થરમાંથી પણ પાણી કાઢે એવા છે ત્યારે મોરબી જિલ્લામાં આવેલ હળવદ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે રેતાળ જમીનમાં કાજુની બાગાયતી ખેતી કરીને મબલખ કમાણી કરી બતાવી છે. રેતાળ જમીન હોવા છતાં ખેડૂતો લીંબુ, દાડમ, સરગવો, ડ્રેગન ફ્રૂટ્સ જેવા નવીનતમ પાક વાવીને કમાણી કરી રહ્યા છે.

હળવદમાં આવેલ શિવપુરના 68 વર્ષીય ખેડૂતે ગોવાથી કાજુના રોપા મગાવીને અઢી વીઘા જમીનમાં સફળતાપૂર્વક કાજુ ઉછેરીને વીઘાદીઠ 40,000 રૂપિયાની કમાણી કરી બતાવી છે. આની સાથે જ પોતાની 60 વીઘા જમીનમાં બાગાયતી ખેતી કરીને વર્ષે 30 લાખ રૂપિયાની મબલખ આવક ઊભી કરી છે.

કૃષિ પ્રદર્શન જોઈને બાગાયત ખેતી બાજુ વળ્યા:
સૌરાષ્ટ્રની ઊપજાવ જમીન પર ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી કમાણી કરતા હોય છે ત્યારે હળવદ તાલુકાના ખેડૂતો કંઈક અલગ પાકનું વાવેતર કરીને પોતાની આવક વધારે થાય એ માટેનાં પ્રયાસ કરી રહ્યા છે. જેમાંથી હળવદ તાલુકાના શિવપુર ગામના 68 વર્ષીય અશોકભાઈએ કાજુની ખેતી કરીને ખુબ સારી આવક મેળવી રહ્યા છે.

અશોકભાઈને ખેતીનો શોખ છે. અન્ય ખેડૂતો કરતા હોય તેના કરતાં અલગ જ ખેતી કરવી એવું તેઓનું માનવું છે, જેથી બાગાયતી ખેતી કરવા માટેનું માર્ગદર્શન તેમને કૃષિ પ્રદર્શન જોયા પછી મળ્યું હતું. ત્યારપછી શિવપુરમાં બાગાયતી ખેતી કરવાની શરૂઆત કરી હતી કે, જેમાં લીંબુ, કેરી, ચીકુ, જામફળ, દાડમ, સીતાફળનાં વાવેતરમાંથી ખુબ સારી આવક મેળવી છે.

ગોવાથી કાજુના રોપ લાવ્યા:
બાગાયતી ખેતીમાં અશોકભાઈએ કાજુની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જેથી એમણે ગોવાથી કાજુના રોપ મગાવ્યા હતા. ખેતરમાં જ કાજુનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલમાં કાજુના વૃક્ષમાં લુમેઝુમે કાજુ આવતાં વીઘાદીઠ 40,000 રૂપિયા જેટલી આવક મેળવી રહ્યા છે.

5 વર્ષ અગાઉ તેઓ કાજુના રોપા ગોવાથી લાવ્યા હતા. એ સમય દરમિયાન એક રોપાની કિંમત માત્ર 80 રૂપિયા હતી. હાલમાં માર્કેટમાં કાજુનો ભાવ 500 રૂપિયાથી લઈને 800 સુધી પહોંચી ગયો છે ત્યારે બીજા ખેડૂતો પણ બાગાયતી ખેતી બાજુ વળે તો જ બમણી આવક મળી રહે એવું અશોકભાઈનું માનવું છે.

ત્રણથી ચાર વર્ષે કાજુ બેસવા લાગે છે:
હાલમાં કાજુનો રોપ 100 રૂપિયામાં મળતો થયો છે. કાજુના છોડ પર 4 વર્ષે ફળ આવવાની શરૂઆત થાય છે. દર વર્ષે પાકમાં હવામાન તથા વરસાદ પ્રમાણે વધઘટ થાય છે. વિઘાદીઠ 40,000 રૂપિયાની આવક થાય છે. નવેમ્બર-ડિસેમ્બર માસમાં ફળ બેસવાની શરૂઆત થાય છે તેમજ મે-જૂન માસમાં ફળો પાકી જાય છે. કાજુનો પાક તૈયાર થાય એટલે અમદાવાદના વેપારીઓ બગીચા પરથી જ કાજુ લઈ જાય છે.

વધુ તાપમાન કાજુને નુકસાન કરે છે

કાજુની ખેતી અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો જણાવે છે કે, કાજુને ગરમ તથા ભેજવાળી આબોહવા માફક આવે છે પણ 45 સેલ્સિયસથી વધારે તાપમાન કાજુને ખુબ નુકસાન કરે છે. આની સાથે જ ઢોળાવવાળી જમીન હોય તેમજ જ્યાં પાણીનો ભરાવ ન થાય એવા પ્રકારની જમીન માફક આવે છે. મેદાની પ્રદેશમાં આ પાક સફળ રીતે થતો નથી.