ગુજરાતના ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો- કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન

148
Published on: 10:35 am, Sun, 21 November 21

હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના મોટાભાગેના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.  કમોસમી વરસાદને કારણે તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે અને 2 દિવસ પડેલા વરસાદમાં ખેડૂતોના મહામુલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવે સહાય આપવાની માંગ સરકાર સમક્ષ ઉઠી છે.

સરકારની ગાઈડલાઇન મુજબ ખેડૂતોને મળશે સહાય?
પાક નુકસાનની સહાય આપવાની માગ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે, ખેડૂતોને સહાય મળી રહે અને સર્વે  કરવામાં આવે. ભર શિયાળે કમોસમી વરસાદને લીધે, જીરું, કપાસ, રાયડો, પશુના ઘાસચારાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર, ૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં કમોસમી વરસાદ થાય અને પાકને નુકસાન થયું હોય તો ખેડૂતને સહાય મળી શકે . પરંતુ 15 નવેમ્બર બાદ વરસાદ વરસે અને નુકસાન થાય તો સહાય ચુકવવામાં આવતી નથી. ત્યારે રાજ્યમાં 17 નવેમ્બર કમોસમી વરસાદ વરસ્યો છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે કમોસમી વરસાદની સહાય ખેડૂતોને મળી શકે તેમ નથી. આમ છતાં જગતના તાતને સહાય મળે તે માટે કિરીટ પટેલે રજુઆત કરી અને સહાય ન મળે તો ખેડૂતો આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ખેડૂતો કરી રહ્યા છે આ માંગ:
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. માળિયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. માળિયાના બોડકી, ઝીંઝુડા, સરવડ, ભાવપર, તરઘરી સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ખુબ નુકસાન થયું છે. આ પરથી કહી શકાય કે, ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. ત્યારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ અને ધારાસભ્ય દ્વારા માંગણી કરવામાં આવી છે.

દ્વારકામાં પણ ખેડૂતોની પરિસ્થિતિ વિકટ:
દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. અંદાજે અડધાથી એક ઈંચ વરસાદને કારણે કપાસ પકવતા ખેડૂતો ઉપર ચિંતાના વડલો ઘેરાઈ ગયા છે. ખેડૂતોનો કપાસનો પાક પલળી ગયો હતો અને બીજી તરફ પશુઓ માટે રાખેલા ઘાસચારો પણ પલળી જવા પામ્યો હતો.

વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન:
જોવા જઈએ તો બનાસકાંઠામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે પાલનપુર માર્કેટયાર્ડમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળી સહિતનો પાક વરસાદને કારણે પલળી જતા ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…