બે ગુજરાતી ભાઈઓએ મળીને કરોડો-અરબોની કંપનીઓને પછાડી વિદેશમાં ઉભું કર્યું પોતાનું વિશાળ સામ્રાજ્ય

Published on: 10:31 am, Sat, 31 July 21

ગુજરાતીઓ દેશ-વિદેશમાં વખણાયા છે ત્યારે હાલમાં આવા જ એક સફળ ગુજરાતી બીઝનેસમેનને લઈ જાણકારી સામે આવી રહી છે. ચાર્ટર્ડ પ્લેન, મોંઘીદાટ ગાડીઓ તેમજ કરોડો રૂપિયાના ભવ્ય બંગલામાં રહેતા ભાઈઓનો સમાવેશ દેશના ધનિક લોકોમાં થાય છે.

આ ભાઈઓ ‘એડ ટેક વર્લ્ડ’ના સૌથી મોટા ચેહરા હોવાનું માનવામાં આવે છે. આ ભાઈઓએ દોઢ દાયકાના કરિયરમાં ડઝનેક કંપનીઓ ઊભી કરી ચૂક્યા છે કે, જેમાંથી 5 કંપનીઓને વેચી તેઓ આજે ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. આ બે ગુજરાતી ભાઈઓનું નામ દિવ્યાંક તુરખિયા અને ભાવિન તુરખિયા છે.

10,000 કરોડની વ્યક્તિગત સંપત્તિના માલિક બંને ભાઈઓની કહાની ખુબ જ રસપ્રદ તથા પ્રેરણાદાયક છે. મૂળ ગુજરાતના તેમજ મુંબઈના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ તુરખિયા બ્રધર્સનું નાનપણ જુહૂ તેમજ અંધેરીમાં પસાર થયું હતું. નાનપણથી જ કોમ્પ્યૂટર તથા પ્રોગ્રામિંગના શૌખીન દિવ્યાંકે ફક્ત 13 વર્ષની ઉંમરમાં પોતાના ભાઈની સાથે મળીને સ્ટોક બજારની કિંમતો પર નજર રાખવા માટે સ્ટૉક માર્કેટ સિમુલેશન ગેમ બનાવી હતી.

કોમ્પ્યૂટરમાં રહેલા રસને લીધે તે અભ્યાસથી ખુબ દૂર રહ્યો હતો. પિતાના દબાણને લીધે તેણે બી,કોમમાં એડમિશન લીધું પણ ક્યારેય કોલેજ જતો નહીં તેમજ ઘરે બેસીને કોડિંગ કરતો હતો. કોડિંગ પર જબરદસ્ત પકડ મેળવ્યા પછી બંને ભાઈઓએ બિઝનેસની શરૂઆત કરવાની યોજના બનાવી હતી.

બંને ભાઈઓએ પિતાને મનાવીને વર્ષ 1998માં પિતાની પાસેથી 25,000 રૂપિયા ઉધાર લીધા હતા. આ સમયે બંને ભાઈઓએ વિચાર્યું પણ ન હતું કે તેઓ અબજોપતિની યાદીમાં સામેલ થઈ જશે. માત્ર 16 વર્ષની વયે પોતાના 18 વર્ષીય ભાઈ ભાવિનની સાથે મળી દિવ્યાંકે ડોમેન નેમ આપતી કંપની ‘ડાયરેક્ટરી’ની સ્થાપ્ના કરી હતી.

તેઓ ભારતીય કંપનીઓને વેબસાઈટ્સ તથા ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવતી હતી. ત્યારબાદ આ કંપનીના બેનર અંતર્ગત ‘બિગરૉક’ કંપનીની સ્થાપ્ના થઈ હતી. જે હાલમાં ખુબ મોટી ડોમેન રજીસ્ટ્રાર કંપની છે. આની ઉપરાંત વર્ષ 2001માં બંને ભાઈઓએ એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યો હતો.

બંને ભાઈ ડિરેક્ટરી બેનર હેઠળ અત્યાર સુધીમાં કુલ 11 સ્ટાર્ટઅપ્સ શરૂ કરી ચૂક્યા છે. હાલમાં ડિરેક્ટરી ગ્રૂપમાં 1,000 કર્મચારીઓ તેમજ કુલ 10 લાખ ગ્રાહકો રહેલા છે. કંપની વાર્ષિક 120%ના દરે ગ્રોથ કરી રહી છે. થોડા વર્ષ અગાઉ તુરખિયા ભાઈઓએ એન્ડ્યુરન્સ ઈન્ટરનેશનલ ગ્રૂપને 1,000 કરોડમાં કુલ 4 બ્રાન્ડ વેચી દીધી હતી.

મીડિયા નેટ ગૂગલના એડ સેન્સને ટક્કર આપવા બનાવવામાં આવ્યું હતું. આ પ્રોડક્ટના લાઈસન્સ કેટલાક પબ્લિશર્સ, એડ નેટવર્ક તથા ઈન્ટરનેશનલ એડ ટેક કંપનીઓ પાસે છે. તુરખિયા બ્રધર્સની પાસે એન્જિનિયરિંગ ડિગ્રી ન હોવા છતાં તેઓ શાનદાર કોડર છે. તેમણે કોઈની મદદ લીધા વિના પોતાના દમ પર આટલું મોટું બિઝનેસ વેન્ચર ઉભું કર્યું છે. આજે તુરખિયા બ્રધર્સ ‘ફર્સ્ટ ઈન્ડિયન ઈન્ટરનેટ એન્ટપ્રેન્યોર્સ’ તરીકે ઓળખાય છે.