ગુજરાતના આ ખેડૂતે એવા દેશી જુગાડ બનાવ્યા કે, છેક અમેરિકા સુધી વાત પહોચી

144
Published on: 2:24 pm, Mon, 16 August 21

અમરેલી: તાજેતરમાં જ ગુજરાતના અમરેલીમાંથી એક પ્રેરણારૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમરેલી જીલ્લાના મોટા દેવાલ્યા ગામના ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા મનસુખભાઈ જગાનીએ નાની વયે જ સ્કૂલનો અભ્યાસ છોડી ખેતી કામમાં જોડાઈ પોતાના પરિવારને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો હતો. પાણીની અછતના કારણે તેમના ખેતરમાં ખાસ ઉત્પાદન થતું નહોતું. જાણવા મળ્યું છે કે, કારણે મનસુખ ભાઈએ વર્ષો સુધી હીરાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું હતું. જોકે, તેમને તેમા રસ નહોતો જેથી તેઓ કંઈક અલગ કરવાના ઈરાદે ફરી ખેતરી આવી ગયા હતા. આ સાથે તેમણે મશીન અને અન્ય ઉપકરણો પ્રત્યેના રસને કારણે એક વર્કશોપ પણ શરૂ કરી છે.

જાણવા મળ્યું છે કે, આ વર્કશોપમાં તેઓ વસ્તુઓ રિપેર કરતા હતા. પરંતુ, ખેડૂતો તેમની પાસે ઘણી સમસ્યાઓ લાવતા તેઓ કંઈક અલગ કરવા માંગતા હતા. તેઓ ઓછા ખર્ચે ખેડૂતોની સમસ્યા ઉકેલવા માંગતા હતા. આ જ કારણે તેમણે પોતાનું મગજ લગાવી સસ્તામાં પડે તેવાં ઉપયોગી મશીન બનાવવા લાગ્યા હતા જેથી ખેડૂત ભાઇઓની મદદ કરી શકાય. આ સાથે જ તેઓને પહેલેથી જ કઈંક એવું બનાવવાની ઈચ્છા હતી. જે એકદમ નવું ઉપકરણ પણ અનોખુ હોય તેમજ ખેતીમાં ઉપયોગી નીવડી શકે. ખેડૂતો પૈસાના કારણે ઉપકરણો ના ખરીદી શકતા મનસુખ ભાઈને એક અલગ ટ્રેક્ટર બનાવવાનો વિચાર આવ્યો હતો.

બુલેટ સાંટી
જાણવા મળ્યું છે કે, વર્ષ 1994માં મનસુખભાઈએ પોતાની પ્રથમ શોધ કરી હતી, જેને “બુલેટ સાંટી” નામ આપવામાં આવ્યું હતું. આ એકદમ ટ્રેક્ટરની જેમ જ કામ કરે છે. તેમણે એક એવું ‘સુપર હળ’ બનાવ્યું, જે ખોદણીથી લઈને વાવણીની સાથે-સાથે જમીનને સમથળ બનાવવાનું પણ કામ કરી શકે છે. વધુમાં મનસુખભાઈએ જણાવ્યું કે, તેમને લગભગ 5 વખત પ્રયાસ કર્યા બાદ બુલેટ સાંટી મામલે સફળતા પ્રાપ્ત થઇ હતી. પરંતુ, તેમનો આ આવિષ્કાર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો. ખેડૂતોએ હવે મજૂરો કે બળદ વગેરે પર નિર્ભર રહેવું પડતું નથી તેમજ ખેડકામથી લઈને વાવણી માટે ટ્રેક્ટરની જરૂર પડતી નથી.

મનસુખ ભાઈએ બુલેટ સાંટીની વિશેષતા જણાવતા કહ્યું કે,“બુલેટ સાંટીની મદદથી ખેડૂતો માત્ર 1 લીટર ડિઝલમાં અને 30 મિનિટમાં બે એકર જમીન ખેડી શકે છે. કોઇપણ ખેતરનું નિંદણ અને વાવણીનું કામ પણ ઝડપથી થઈ શકે છે અને તેમાં ખર્ચ પણ બહુ ઓછો છે. પ્રતિ હેક્ટર માત્ર 8 રૂપિયાનો જ ખર્ચ આવે છે. તમે તમારી બાઇકમાંથી જ આ બુલેટ સાંટી બનાવી શકો છો. આ કામમાં માત્ર 30-35 મિનિટ જ લાગે છે અને તેની પાછળ 30-40 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.”

વર્ષ 2000માં પ્રોફેસર અનિલ ગુપ્તાના સંગઠન એવા હની બી નેટવર્કને મનસુખભાઇ વિશે ખબર પડી હતી. ત્યારબાદ તેમણે ગામમાં જઈને બુલેટ સાંટી જોયું અને તેનું નિરિક્ષણ કર્યું. આ હની બી નેટવર્કના પ્રયત્નથી જ મનસુખભાઈને તેમની બુલેટ સાંટીને એડવાન્સ લેવલ પર ડેવલપ કરવામાં મદદ મળી. તેમણે મનસુખભાઇના આ આવિષ્કાર માટે પેટન્ટ પણ ફાઇલ કરી અને આજે ભારત અને અમેરિકામાં આ ટેક્નોલૉજી પર તેમને પેટન્ટ મળેલ છે. જાણવા મળ્યું છે કે, અત્યારે આ બુલેટ સાંટીની કિંમત 1 લાખ 70 હજાર રૂપિયા જેટલી છે. મનસુખ ભાઈની ઈચ્છા એવી છે કે, તેઓ મોટી કંપની પાસેથી રોયલ્ટી લેશે પરંતુ સામાન્ય ખેડૂત કે મિકેનિક પાસેથી રોયલ્ટી નહીં વસૂલે.

સાઇકલ સ્પ્રેયર:
આ ઉપરાંત, વર્ષ 2005માં મનસુખ ભાઈ દ્વારા 8 દિવસમાં જ એક નવી શોધ કરવામાં આવી હતી. આ માટે તેમણે એક સાઇકલની પાછળના પૈડામાં થોડા ફેરફાર કર્યા અને પછી તેના પર સ્પ્રેયરને એડજસ્ટ કર્યું. આ સાઇકલ સ્પ્રેયર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. સૌથી સારી વાત એ છે કે, તેનાથી સરળતાથી અને બહુ ઓછા ખર્ચે આખા ખેતરમાં સ્પ્રે કરી શકાય છે. માત્ર 3 કલાકમાં જ ખેડૂત 4 એકરમાં સ્પ્રે કરી શકે છે. આ ટેન્કની ક્ષમતા 25-30 લીટર છે. તેમાં વધારે મજૂરોની પણ જરૂર નથી પડતી. કામ પૂરું થઈ જાય પછી સ્પ્રેયરને સાઇકલમાંથી કાઢી શકાય એવી વ્યવસ્થા છે. આ શોધ માટે પણ મનસુખભાઈને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનથી સન્માન મળ્યું છે અને તેના પર તેમની પેટન્ટ પણ છે.

સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર
સ્પ્રેયર બાદ મનસુખ ભાઈએ એક સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર બનાવ્યું હતું. તેનાથી વાવણી તેમજ ખેતરમાં ખાતર નાખવાનું કામ સરળતાથી કરી શકાય છે. જેનાથી સમાન રૂપે બી રોપી શકાય છે અને સમાન રૂપે ખાતર પણ નાખી શકાય છે. આમાં બીજનું નુકસાન થતું નથી અને ખાતરનો બગાડ પણ અટકી શકે છે. મનસુખભાઈએ કરેલી શોધની સૌથી સારી વાત એ છે કે, તેને ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. મસસુખભાઈની આ ટેક્નોલૉજી બીજા દેશો સુધી પણ પહોંચી છે.

આ ઉપરાંત, તેમને દક્ષિણ આફ્રિકા જઈ ત્યાંના ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરવાની પણ તક મળી હતી. આ અંગે મનસુખભાઈ કહે છે કે, તેમણે સપનામાં પણ વિચાર્યું નહોંતું કે તેમને રાષ્ટ્રપતિ સન્માન મળશે અને કોઇ બીજા દેશમાં જવાની તક પણ મળશે. જણાવી દઈએ કે, મનસુખભાઈની બુલેટ સાંટીની ટેક્નોલૉજીની મદદથી આજે 150 સામાન્ય ફેબ્રિકેટર મશીન બનાવવામાં આવ્યાં છે. 5 હજાર પરિવારોને આ ટેક્નોલૉજીને કારણે રોજગાર મળી રહ્યો છે. લગભગ 20,000 ખેડૂતો આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.