ખેડૂતોને ‘સિંચાઈ પાણી’ મુદ્દે CM રુપાણીએ કર્યો મહત્વનો નિર્ણય- જાણો ક્યાં અને કેટલું પાણી છોડશે?

Published on: 4:03 pm, Tue, 17 August 21

વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ તો સીઝન નો અડધો જ વરસાદ થયો છે. ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે પરંતુ મેઘરાજા રાજ્યમાં દસ્તક દઇ રહ્યા નથી ત્યારે ખેડૂતોને સરકાર પાસે પાણીની માંગણી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. થોડા સમય પહેલાં નીતીનભાઇ પટેલે જણાવતા કહ્યું હતું કે રાજ્યના મોટાભાગના ડેમો ખાલી છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું ખૂબ જ મુશ્કેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નીતિનભાઈ પટેલે ખેડૂતોને પાણીની સખત ના પાડી દીધી હતી. પરંતુ હાલ રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે.

વર્તમાન સમયમાં ખેડૂતો સિંચાઇના પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ તાત્કાલિક પાણી આપવાની રજૂઆત પણ કરી હતી. ખેડૂતોની આ રજૂઆતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરી છે. 29 જળાશયોમાં સાડા નવ લાખ એકર ને સિંચાઇનું પાણી આપવામાં આવશે. આ સાથે સાથે જ પીવાના પાણી માટે ૫૬ જેટલા જળાશયોમાં તારીખ 30 સપ્ટેમ્બર સુધી પાણી આપવામાં આવશે. આરક્ષિત રાખી બાકીનું પાણી સંબંધિત વિસ્તારોની માંગણી અનુસાર ખેડૂતોને પાક બચાવવા આપવામાં આવશે.

હાલ રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો અને જન પ્રતિનિધિઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ તાત્કાલિક પાણીની રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતોને ત્વરિત પ્રતિસાદ પણ આપ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ જે જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટે 56 જળાશયોમાં સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ ખેડૂતોને આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

જળ સંપતિ સચિવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્યના કેટલાક ખેડૂતોની સમસ્યા દૂર થશે, નિર્ણયના પરિણામે જે વિસ્તારોમાંથી પાણીની માંગણી આવી હતી તે વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને બચાવવા ૨૯ જેટલા જળાશયોમાં કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.

સાથે સાથે સૌરાષ્ટ્રમાં કુલ ૧૪૧ જળાશયો પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે મહિના માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 148001 હેકર વિસ્તારને પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દરમિયાન 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લાના ઉંડ-૧, સસોઇ, પન્ના, આજી-૪, ફૂલઝર-૧, ફૂલઝર-ર, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-૩, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ ૧૩ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરી દીધું છે.

રાજકોટ જિલ્લામાં આજી-ર, આજી-૩ અને ન્યારી-ર ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરી દીધું છે.

મોરબી જિલ્લાના બ્રાહ્મણી-૧, ડેમી-૧ ઘોડાધ્રોઇ અને ડેમી-ર ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરી દીધું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે.

પોરબંદર જિલ્લાના સોરઠી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.