રક્ષાબંધન નજીક આવતા આ મહિલા પ્રગતિશીલ ખેડૂતે ગાયના છાણમાંથી બનાવી સુંદર રાખડી

Published on: 10:45 am, Fri, 6 August 21

ગાયને માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધી તો તમે એવું સાંભળ્યું હશે કે, ગાયના દૂધમાંથી અનેક વાન્ક્ગીઓ બનતી હશે પણ હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમને વિશ્વાસ નહીં થાય. જૂનાગઢ પાસે આવેલ કોયલી ગામમાં રહેતી પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન ત્રાંબડીયાએ ઓર્ગેનિક ખેતી તથા પશુપાલન દ્વારા આવક બમણી કરીને સફળતા હાંસલ કરી બતાવી છે.

આની સાથે જ હાલમાં જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ મહિલાએ ગાયના છાણમાંથી રાખડી બનાવી છે. આટલું જ નહીં પણ ગાય પ્રત્યે જાગૃતિ આવે એના માટે આ મહિલા રક્ષાબંધનના દિવસે પોતાના ગામમાં ગોબરની રાખડીનું વિતરણ પણ કરશે. ભાવનાબેનની આ અનોખી પહેલથી ગામની મહિલાઓને પણ એક નવો હુન્નર તથા રોજગારી મળી છે.

ભાવનાબેન ત્રાંબડીયાને કોયલી ગામમાં ગૌશાળા છે તેમજ તેમની પાસે કુલ 37 ગીર ગાયો રહેલી છે. ગૌશાળામાંથી નીકળતું છાણ-ગૌમુત્રનો પણ તેઓ સંપૂર્ણ રીતે ઉપયોગ કરે છે. ખેતરમાં જ તેઓ જીવામૃત તથા ઘન જીવામૃત બનાવે છે, પોતાના ખેતરમાં ઉપયોગ તો કરે જ છે. આની સાથે જે ખાતર વધે છે તેનું વેચાણ કરીને આવક મેળવે છે. આ જ ગોબરના ઉપયોગથી હવે તેઓ રાખડી બનાવી રહ્યા છે.

ગાયનું ગોબર સુકવીને તેને ચાળીને તેનો પાવડર બનાવીને લોટની જેમ બાંધીને અનેકવિધ ડિઝાઈનના મોલ્ડમાં નાખવાથી એક ડિઝાઈન તૈયાર કરીને સુકવવામાં આવે છે. આ સુકાઈ ગયેલા ડિઝાઈનના મોલ્ડને કલર કરીને પછી તેને શણગારવામાં આવે છે.

રક્ષાબંધનના દિવસે રાખડી પહેર્યા પછી બીજા જ દિવસે કે થોડા દિવસો બાદ તે રાખડીનું લોકો તુલસીનાં ક્યારામાં વિસર્જન કરી દેતાં હોય છે, માર્કેટમાં મળતી પ્લાસ્ટીકની રાખડી ફુલછોડને ખુબ નુકશાન કરે છે ત્યારે આ રાખડી ગમે ત્યાં વિસર્જીત કરવામાં આવે તો પણ તે ખાતર બની જાય છે.

આ ગામની મહિલાઓએ એકસાથે મળીને એક સખી મંડળની શરૂઆત કરી છે તેમજ બપોરના સમયે પોતાના ઘરકામ પતાવીને મહિલાઓ ગોબરની રાખડી બનાવે છે. ભાવનાબેનની આ પહેલથી ગામની અનેક મહિલાઓને નવો હુન્નર શીખવા મળ્યો સાથે રોજગારી પણ મળી છે.

ગામની મહિલાઓ આ રાખડીનું 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીમાં વેચાણ કરવાની છે, રક્ષાબંધનના દિવસે ગાય પ્રત્યે લોકોને પ્રેમભાવ જાગે તેમજ ખેડૂતો ગાય આધારીત ખેતી બાજુ વળે તે માટે ગામની મહિલાઓ ગોબર રાખડીનું ગામમાં વિતરણ પણ કરવાની છે.

ભાવનાબેન ત્રાંબડીયા પશુપાલન તથા ઓર્ગેનિક ખેતીમાંથી લાખો રૂપીયાની આવક મેળવી રહ્યા છે તેમજ હવે પોતાના સૌપ્રથમ પ્રયાસથી ગોબર રાખડી બનાવીને તેનું વેચાણ કરે છે, પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે તેમનો આ પ્રયત્ન ગાય આધારિત ઓર્ગેનિક ખેતી બાજુ વળવા લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ છે.